સ્વાભાવિક જે જે થાય તે પ્રારબ્ધ

કિસ્મત કહો કે નસીબ. આનું નામ જ પ્રારબ્ધ છે. પ્રારબ્ધ એટલે પૂર્વ ભવમાં લાવેલો માલ. જે અત્યારે તમે વાપરો છો તે. ગયા જન્મમાં કરેલાં પાપનું ફળ આ ભવમાં જ મળે. એવું છે કે ગયા ભવમાં જે પાપ થયાં હતાં તે આયોજનપૂર્વક થયેલાં છે. જેમ કે નર્મદા ઉપર બંધ બાંધવાનો હોય તો તે માટે પહેલાં સ્થળ ચકાસણી, નકશા, આયોજન વગેરે કરવું પડે. તે પછી જ બંધ બાંધી શકાય છે. તેવી જ રીતે ગયા અવતારમાં આપણે જે જે આયોજન કર્યાં હોય તે મુજબ આપણું પ્રારબ્ધ ઘડાય છે. જેને આપણે વિધાતાના લેખ કહીએ છીએ.
દરેક જન્મમાં આવતા ભવના આયોજન જ થતાં હોય છે. તે મુજબ જે તે વ્યકિતનું પ્રારબ્ધ લખાતું હોય છે. તમારા જીવનકાળ દરમિયાન જેટલા સંયોગ બાઝે છે તે મુજબ જ તમારું પ્રારબ્ધ હોય છે. સવારના ૭-૦૦ વાગ્યે ઉઠાયું હોય તો તે પ્રારબ્ધ. જ્યાં સુધી કોઇનું આલંબન લેવું પડે ત્યાં સુધી પ્રારબ્ધ છે. પ્રારબ્ધ જોડે જે ભાવાભાવ ઉત્પન્ન થાય તે પુરુષાર્થ છે. જો કોઇ તમારા માટે ખરાબ બોલે અને તમે તેના પ્રત્યે સમભાવ રાખી પુરુષાર્થ કરો તો તમે શુદ્ધાત્મા. પરંતુ આવું બનતું નથી. કોઇ આપણને ગાળો ભાંડે ત્યાં આપણે પુરુષાર્થ નથી કરતા, પરંતુ તેને સામી ગાળો ભાંડીએ છીએ. તેની સામે મોં ચઢાવીએ છીએ. કોઇ આપણે ગાળ દે તે વખતે આપણને મનમાં તો થાય છે કે આ મારા જ કર્મનું ફળ છે. ગાળ દેનાર તો નિમિત્ત છે. નિર્દોષ છે. તે ઘડીએ તમે જો સમતા રાખો તો તે પુરુષાર્થ છે.
બને ત્યાં સુધી તમે શુદ્ધાત્મામાં રહો. શુકલ ધ્યાનમાં રહો તે પુરુષાર્થ છે. તમે શુદ્ધાત્મામાં છો તો કોઇક તમારું અપમાન કરતો હોય છે. તમને એમ લાગે છે કે આ આવું કરે છે તે કરી રહ્યો છે તેવું તમે માનો છો. તે તમારી સમજણમાં ભૂલ છે. એય શુદ્ધતા છે. એ કરે છે તે તો બધું ઉદયકર્મને આધીન છે. તે પોતે કરતો નથી. તે બિચારો ઉદયકર્મને આધીન છે. કાળનો ભમરડો ફરે છે અને સહુનાં ઉદયકર્મો સામસામા વ્યવહારે પતાવી દે છે.
આપણે વખતો વખત બોલીએ છીએ કે પ્રારબ્ધમાં હશે તે થઇ પડશે, પરંતુ એવું ના બોલાય. પ્રારબ્ધ તો ત્યારે બોલાય કે પુરુષાર્થ કરતાં કરતાં અવળું થાય. આટલી બધી મહેનત કરી હોવા છતાં આવંું ફળ કેમ મળ્યું? ત્યારે કહેવું કે આ તો પ્રારબ્ધના ખેલ પુરુષાર્થનું ફળ સવળું આવવું જોઇએ. જો સવળું ન આવે તો માનવંુ કે આ બની રહ્યું છે તે પ્રારબ્ધ છે. પહેલાં કરેલાં કર્મોનું આ ફળ છે. કિસ્મત એ જ પ્રારબ્ધ છે. તમે ગયા ભવમાં જો કોઇ પાપ કર્યું હશે તો તેનું ફળ આ ભવમાં મળે
અથવા જે પ્રમાણે કર્મ કર્યું હશે તે પ્રમાણે ઉદયમાં આવતાં તે ફળ ભોગવવું પડે. •
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like