સ્ટાર નથી બનવુંઃ યામી ગૌતમ

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમને સ્ટિરિયોટાઇપ રોલ કરવા નથી. ‌‘વીકી ડોનર’ ફિલ્મથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશેલી આ અભિનેત્રી વિચાર્યા વગર ફિલ્મો કરવાના બદલે સારા અભિનેતાઓ સાથે સારી ફિલ્મો કરવા ઇચ્છે છે. યામીને સ્ટાર બનવાની કોઇ ઝંખના નથી, પરંતુ એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ઓળખાવું છે. તે કહે છે, હાલમાં તો લાઇફ એકદમ વ્યસ્ત છે, પરંતુ હું તેનો ભરપૂર આનંદ ઉઠાવી રહી છું. જેમ બને તેમ વધુ અને સારી ફિલ્મો કરવા ઇચ્છું છું અને બોલિવૂડમાં સ્થાપિત થવા ઇચ્છું છું. ટીવીના માધ્યમથી ફિલ્મોમાં પ્રવેશેલી યામી પાસે હવે ટીવીમાં ફરી પાછા ફરવાનો સમય નથી. તે કહે છે કે હું ટેલિવિઝનની તાકાત જાણું છું અને હું તેનો આભાર માનું છું કે તેના માધ્યમથી જ હું આગળ આવી. ત્યાં હું ઘણું શીખી. તે મારા માટે એક પ્રયોગશાળા જેવું રહ્યું.
અત્યારે તેના કામનો આનંદ ઉઠાવી રહેલી યામી ગૌતમ ફરી વખત નાના પરદે પાછી ફરવા ઇચ્છતી નથી. યામીએ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે કહે છે તે સાઉથના ડિરેક્ટર્સ સાથે કામ કરવાનો અનુભવ પણ અદભુત રહ્યો. આ બે જગ્યાની ભાષા અલગ છે. બાકી કોઇ ખાસ ફરક મને લાગ્યો નથી. હવે ટૂંક સમયમાં યામીની ‘સનમ રે’ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. તે કહે છે કે આ ફિલ્મ મારા માટે ખૂબ જ મહત્વની છે. હું આ ફિલ્મમાં વિવિધ આયુવર્ગનાં પાત્ર ભજવી રહી છું. આ એક ઇન્ટેન્સ લવસ્ટોરી છે, તેમાં મારી સાથે ‘ફુકરે’ ફેમ પુલકિત સમ્રાટ છે. હું આ ફિલ્મમાં સિમલામાં રહેનારી યુવતીના પાત્રમાં છું.

You might also like