રિદ્ધિમાનને કેપ્ટન વિરાટ કોહલીએ ટીમનું રહસ્ય ગણાવ્યો

કોલકાતાઃ વિકેટકીપર-બેટ્સમેન રિદ્ધિમાન સાહાને ભારતીય ટેસ્ટ ટીમ માટે રહસ્ય ગણાવતાં કેપ્ટન કોહલીએ ગઈ કાલે કહ્યું કે, ”હાલ તે ભારતનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે.” ઉલ્લેખનીય છે કે સાહાએ ઈડન ગાર્ડન્સમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં અર્ધસદી ફટકારીને ટીમ ઇન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. મેચ બાદ પુરસ્કાર વિતરણ સમારોહમાં કોહલીએ કહ્યું, ”સાહા શાનદાર છે. તે વર્તમાન સમયમાં દેશનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સારું કામ કરી રહ્યો છે. વિકેટની પાછળ તે શાનદાર છે. તે બેટથી પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. અમે તેની પાસેથી આવા જ પ્રદર્શનની આશા રાખતા હતા.” વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ દરમિયાન ગ્રોસ ઇસ્લેટમાં ગત ઓગસ્ટમાં સાહાએ ફટકારેલી કારકિર્દીની પહેલી સદીને યાદ કરતા કોહલીએ કહ્યું, ”એ સદીથી સાહાના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.”

You might also like