વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપઃ પૂજાએ જીત્યો બ્રોન્ઝ મેડલ, સાક્ષી-રિતુનો પરાજય

બુડાપેસ્ટ (હંગેરી): ભારતીય મહિલા પહેલવાન ઢાંડાએ વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ૨૪ વર્ષીય પૂજાએ ૫૭ કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલના મહત્ત્વપૂર્ણ મુકાબલામાં ગત વર્ષની યુરોપિયન ચેમ્પિયન નોર્વેની ગ્રેસ જેકબને ૧૦-૭થી પરાજિત કરીને મેડલ પોતાનાં નામે કરી લીધો. અગાઉ વિશ્વ ચેમ્પિયનશિપમાં પૂજા ઉપરાંત બ્રોન્ઝ મેડલ અલકા તોમર (૨૦૦૬), ગીતા ફોગાટ (૨૦૧૨) અને બબીતા ફોગાટ (૨૦૧૨)એ જીત્યો હતો.

પૂજાએ રેપેચેઝમાં અજરબૈજાનની એલોના કોલેસનિકને ૮-૩થી હરાવી હતી. ત્યાર બાદ બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં જેકબને ૧૦-૭થી હરાવીને ભારતની ઝોળીમાં બ્રોન્ઝ મેડલ સરકાવી લીધો હતો. પૂજાનો આ સિઝનમાં બીજો મેડલ છે. આ પહેલાં તેણે ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

૬૨ કિગ્રા વર્ગના રેપેચેજ મુકાબલામાં ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મહિલા પહેલવાન સાક્ષી મલિકના પડકારનો અંત આવી ગયો છે. સાક્ષીએ રેપેચેઝમાં હંગેરીની મારિયા સાસ્તિન સામે જોરદાર સંઘર્ષ કર્યો, પરંતુ અંતે તેને ૨-૩થી હારનો સામનો કરવો પડ્યો.

રિતુ ફોગાટ (૫૦ કિગ્રા)એ પણ બ્રોન્ઝ મેડલ માટેનાં મુકાબલામાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ તે યુક્રેનની ઓકસાના લિવાચ સામે ૫-૧૦થી હારી ગઈ. રિતુને પાંચમું સ્થાન પ્રાપ્ત થયું હતું. અન્ય ભારતીય મહિલા પહેલવાનો નવજોત કૌર (૬૮ કિગ્રા) રેપેચેઝમાં હારી ગઈ. પિન્કી (૫૩ કિગ્રા), સીમા (૫૫ કિગ્રા), સરીતા (૫૯ કિગ્રા), રજની (૭૨ કિગ્રા) અને કિરણ (૭૬ કિગ્રા) મેડલની દોડમાં પહોંચી શકી ન હોતી.

You might also like