હવે કુસ્તી સંઘ સતીશને ૨૫ લાખ રૂપિયા વળતર ચૂકવશે

નવી દિલ્હીઃ ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)એ ડોપિંગની શંકાથી પહેલવાન સતીશકુમારને ૧૪મા એશિયન રમતોત્સવની છેલ્લી ઘડીએ ટીમમાંથી બહાર કરી દીધો હતો. મેટ પર કુસ્તી લડનારા સતીશે સ્વયંને નિર્દોષ સાબિત કરવા કોર્ટમાં લડાઈ લડી. હવે દિલ્હીની એક કોર્ટે ૧૫ વર્ષ જૂના મામલામાં WFIને આદેશ આપ્યો છે કે તે પહેલવાન સતીશને રૂપિયા ૨૫ લાખનું વળતર ચૂકવી આપે.

પંજાબના સતીશને WFI દ્વારા બુસાન (દક્ષિણ કોરિયા)માં વર્ષ ૨૦૦૨માં યોજાયેલા ૧૪મા એશિયન રમતોત્સવ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ અન્ય એથ્લીટ સાથે ફ્લાઇટ લેતાં પહેલાં તેને રોકી દેવામાં આવ્યો હતો, કારણ કે પશ્ચિમ બંગાળના આ જ નામના એક પહેલવાનને લઈને શંકા ઊભી થઈ હતી ત્યારે પશ્ચિમ બંગાળનો પહેલવાન ડોપિંગમાં દોષી ઠરતાં તે બે વર્ષ માટે પ્રતિબંધિત થયો હતો.

કોર્ટે તીખી ટિપ્પણી કરતાં કહ્યું કે જે રીતે રમતને નહીં સમજનારા અધિકારીઓના નેતૃત્વવાળાે મહાસંઘ ખેલાડીઓ સાથે વર્તાવ કરે છે એનાથી સ્પષ્ટ થાય છે કે ભારત વૈશ્વિક સ્તરની સ્પર્ધાઓમાં મેડલ હાંસલ કરવા શા માટે ઝઝૂમી રહ્યું છે. WFIને દોષી ઠેરવવા ઉપરાંત વધારાના જિલ્લા ન્યાયાધીશ સુરીન્દર એસ. રાઠીએ કેન્દ્ર સરકારને આ કેસમાં સામેલ બધા અધિકારીઓ સામે તપાસ કરવાનો પણ આદેશ આપ્યો હતો.

WFIએ કંઈ જ વિચાર્યા વિના-સતીશની કોઈ ભૂલ ન હોવા છતાં તેને ફ્લાઇટમાંથી ઉતાર્યો હતો. આ પહેલવાનનો બદનામ અને માનસિક રૂપથી પરેશાન કર્યો. સંઘ પોતાના એ ખોટા વલણ પર અડગ રહ્યું હતું કે તે ડોપિંગમાં દોષી ઠર્યો હતો. કોણ છે સતીશ?: CISFના સતીશે વર્ષ ૨૦૦૬ મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સ અને લોસ એન્જલસમાં વિશ્વ પોલીસ રમતોત્સવમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું.

You might also like