મોદીની પ્રશંસા બાદ દેવગૌડાએ કહ્યુંઃ નરેન્દ્ર મોદી સ્માર્ટ PM છે

બેંગલુરુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ચૂંટણીપ્રચાર દરમિયાન પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાની ભારોભાર પ્રશંસા કરી હતી અને તેના જવાબમાં એચ.ડી. દેવગૌડાએ પણ મોદીનાં ખૂબ વખાણ કર્યાં હતાં. એચ.ડી. દેવગૌડાએ જણાવ્યું હતું કે ૨૦૧૪ની ચૂંટણી પૂર્વે મેં એવું જણાવ્યું હતું કે જો ભાજપને લોકસભામાં પોતાની એકલાની તાકાત પર બહુમતી આવશે તો હું રાજીનામું આપી દઈશ.

ભાજપને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મળ્યા બાદ મેં રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વડા પ્રધાન મોદીએ મને રાજીનામું નહીં આપવા સમજાવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે દેશને મારા જેવા વરિષ્ઠ નેતાઓના અનુભવ અને સેવાની જરૂર છે એવું ગૌડાએ જણાવ્યું હતું.

એચ.ડી. દેવગૌડાએ વડા પ્રધાનનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે મોદી સ્માર્ટ પીએમ છે અને તેઓ જાણે છે કે દેશમાં સળગતા મુદ્દાઓ કયા કયા છે. તેઓ કર્ણાટકની રાજનીતિમાં થઈ રહેલા બદલાવ અને સંકેતોને સારી રીતે સમજે છે અને તેમણે રાહુલ ગાંધીને મારા અંગે જે કંઈ કહ્યું છે તે પણ મેં સાંભળ્યું છે.

આ કારણોથી તેમણે સન્માન અને શિષ્ટાચારના નાતે મારાં વખાણ કર્યાં છે, પરંતુ તેનો અર્થ એ નથી કે અમારી વચ્ચેના રાજકીય મતભેદ સમાપ્ત થઈ ગયા છે. સાથે-સાથે બંને નેતાઓ વચ્ચેની પ્રશંસાની આપલે બાદ એચ.ડી. દેવગૌડાએ પ્રશંસા કરી હતી કે ભાજપ અને જનતા દળ (એસ) વચ્ચે ગઠબંધન જેવી કોઈ વાત નથી.

આ એક શિષ્ટાચારનો મામલો છે અને તેનો કોઈ રાજકીય અર્થ કાઢવો જોઈએ નહીં. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ભાજપ અને જનતા દળ (એસ) વચ્ચે ચૂંટણી બાદ ગઠબંધનને લઈ જે સમાચારો વહેતા થયા છે તેમાં કોઈ તથ્ય નથી. દરમિયાન એવા અહેવાલો વહેતા થયા છે કે એચ.ડી. દેવગૌડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કર્યા બાદ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ દેવગૌડાને તેઓ કોના તરફી છે એ બાબતે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

You might also like