‘હું ગૃહપ્રધાન હોઉં તો બુદ્ધિજીવીઓને ઠાર મારવાનો આદેશ કરી દઉં’

બેંગલુરુ: કર્ણાટકના ભાજપના એક ધારાસભ્ય અને અટલ બિહારી વાજપેયી સરકારમાં ટેક્સસ્ટાઈલ પ્રધાન રહેલા ભાજપના દિગ્ગજ નેતા બસાનગૌડા પાટીલ યતનાલે જણાવ્યું છે કે જો હું ગૃહપ્રધાન હોઉં તો બુદ્ધિજીવીઓને ગોળી મારી દઉં. બસાનગૌડા પાટીલ વિજયપુરના ધારાસભ્ય છે તેમણે ઉદારવાદીઓ અને બુદ્ધિજીવીઓને દેશદ્રોહીઓ ગણાવ્યા છે.

ગુરુવારે કારગિલ વિજય દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં બસાનગૌડા પાટીલે જણાવ્યું હતું કે બુદ્ધિજીવીઓ દેશની તમામ સુવિધાઓનો ઉપયોગ કરે છે, જેના માટે આપણે ટેક્સ ભરીએ છીએ ત્યાર બાદ આ બુદ્ધિજીવીઓ ભારતીય સેના વિરુદ્ધ નારાબાજી કરે છે. તેમણે જણાવ્યું હતું કે હું જો ગૃહપ્રધાન હોઉં તો આવા કહેવાતા બુદ્ધિજીવીઓને ઠાર મારવાનો આદેશ કરી દઉં.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે દેશને અત્યારે બુદ્ધિજીવીઓ અને ધર્મનિરપેક્ષો તરફથી સૌથી વધુ ખતરો છે. કર્ણાટકના ભાજપના નેતા યેદિયુરપ્પાની સૌથી નિકટ મનાતા બસાનગૌડા પાટીલે આ અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કર્યાં છે. તેમણે કોર્પોરેટરોને અગાઉ અપીલ કરતાં જણાવ્યું હતું કે તેઓ મુસ્લિમોને મદદ ન કરે. તેમણે આવું વિવાદાસ્પદ નિવેદન કરતાં કર્ણાટકમાં શાસક પક્ષ જેડીએસ અને કોંગ્રેસે તેમની સામે પગલાં લેવા માગણી કરી છે.

You might also like