ભક્તિ પારસમણિ છે તો મુક્તિ સોનું છે

એક ભક્ત સારી રીતે જાણતો હતો કે તેની પાસે ભક્તિ છે, તેથી જ તે જ્યારે ઈચ્છશે ત્યારે તેને સાહજિક રીતે મુક્તિ મળી જશે. મુક્તિની પ્રાપ્તિ કોઈ પણ ક્ષણે થઈ શકે છે, પરંતુ ભક્તિ તો એક અમૂલ્ય ભંડોળ સમાન છે. ભક્તિ પારસમણિ જેવી છે અને મુક્તિ તેને સ્પર્શિત સોના જેવી સમજી શકાય, જેના હૃદયમાં ભક્તિરૂપી પારસમણિ હોય તે કોઈ પણ ક્ષણે મુક્તિરૂપી સોનું પામી લેશે. આ વિશે એક કથા પ્રચલિત છે. એક વખત રામ અને લક્ષ્મણ નાવમાં સવાર થઈને ગંગા નદી પાર કરી રહ્યા હતા. જ્યારે તેઓ નદીની પેલે પાર ઊતર્યા ત્યારે નાવિકે જોયું કે તેની નાવ સોનાની બની ગઈ છે.

નાવિકે આ વાત પોતાની પત્નીને કહી. પત્ની ઘરનો લાકડાથી બનેલો તમામ સામાન લઈને ગંગા તીરે આવી ગઈ અને રામનાં ચરણોના જાદુઈ સ્પર્શ વડે તેને સોનામાં પરિવર્તિત કરાવી લીધો. ત્યાર બાદ નાવિકે પોતાની પત્નીને કહ્યું કે, “આ ચરણને આપણે ઘરમાં લઈ જવાં જોઈએ, તેં આટલી બધી વસ્તુઓને અહીં સુધી ઢસડીને લાવવાની મહેનત કેમ કરી?” આ સાંભળી પત્નીએ એવું કર્યું. રામજીએ તેને ચાર ફળ આપ્યાં, જેને પામીને પતિ-પત્ની સંતુષ્ટ થયાં. ત્યાર બાદ લક્ષ્મણ ત્યાં આવ્યા.

પતિ-પત્નીએ લક્ષ્મણને કંઈક આપવા વિનંતી કરી તો લક્ષ્મણે માત્ર એક ફળ આપ્યું. રામજીએ જે ચાર ફળ આપ્યાં હતાં તે હતાં-કામ, અર્થ, ધર્મ અને મોક્ષ. ફળ આપ્યા બાદ લક્ષ્મણે કહ્યું, “મેં આપેલું ફળ જ્યાં સુધી તમારી પાસે નહીં હોય ત્યાં સુધી ભાઈ દ્વારા અપાયેલાં ચાર ફળ તમને પચશે નહીં.” લક્ષ્મણે આપેલું ફળ હતું-ભક્તિ. આટલા માટે જ જ્ઞાની લોકો ભક્તિને અમૂલ્ય ભંડોળ કહે છે. આ પારસમણિ છે. મુક્તિનો મતલબ થાય છે છુટકારો મેળવવો. જ્યાં બંધન હોય ત્યાં જ મુક્તિનો સવાલ ઊઠે છે. જ્યાં બંધન ન હોય ત્યાં મોક્ષનો પણ સવાલ ઊઠતો નથી.

આ બંધન કેટલી જાતનાં હોય છે? મનુષ્યજાતિના શરીર અને મનમાં અનેક માનસિક બંધન છે. આ પૈકીનાં અમુક સમયને લીધે છે તો અમુક સ્થળને લીધે છે, બાકીનાં થોડાંક વ્યક્તિગત છે. આ ત્રણેય બંધનોમાંથી છુટકારો મેળવવો એટલે મુક્તિ. શારીરિક અને માનસિક બંધનોની અવસ્થામાં મોક્ષ ન મળી શકે. સ્થાયી મોક્ષ માત્ર આધ્યાત્મિક જગતમાં જ મળી શકે.

જ્યારે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક બંધનમાંથી મુક્ત થાય ત્યારે તેનાં તમામ દુઃખ-સંતાપ લુપ્ત થઈ જાય છે. મોક્ષ-સાધના એક એવો પ્રયાસ છે કે જે આધ્યાત્મિક બંધનોમાંથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. ક્રિયાફળના રૂપમાં બંધન જ્યાં સુધી યથાવત્‌ રહેશે ત્યાં સુધી મોક્ષની કામના થઈ શકે નહીં. સારા અને ખરાબ બંને કર્મ બંધનનાં કારણ છે.

You might also like