IPL: વિરાટની કેપ્ટનશિપનો ખરાબ તબક્કો ભારત માટે ચિંતાની વાત

(એજન્સી) બેંગલુરુ: વિરાટ કોહલીનો પાછલો કેટલોક સમય ઠીક નથી ચાલી રહ્યો. KKR સામે ગત શુક્રવારે રમાયેલી મેચને બાદ કરતાં IPLમાં તેનું બેટ મોટા ભાગે શાંત જ રહ્યું છે. કેપ્ટનશિપમાં પણ તેનો જાદુ ગાયબ થઈ ગયેલો જણાય છે. નેતૃત્વ ક્ષમતાના મામલામાં તેનો આ ખરાબ તબક્કો ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે, કારણ કે ભારતે ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થનારા વન ડે વર્લ્ડકપમાં ભાગ લેવાનો છે.

ટીમ ઇન્ડિયાને વિશ્વકપમાં ખિતાબના પ્રબળ દાવેદારના રૂપમાં જોવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડની સાથે જ ભારતની ગણના ટોચના બે દાવેદારોમાં થઈ રહી છે, પરંતુ ભારતને પાછલા દિવસોમાં ઘરઆંગણે જ ઓસ્ટ્રેલિયાની નબળી ટીમ સામે વન ડે શ્રેણી ગુમાવવી પડી હતી. આ ટીમ ઇન્ડિયા માટે એક મોટા ઝટકા સમાન હતી, કારણ કે ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન પાછલા દોઢ વર્ષ દરમિયાન પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

કોઈ પણ ટીમની સફળતામાં કેપ્ટનનું યોગદાન સૌથી મહત્ત્વનું હોય છે, પરંતુ વિરાટ છેલ્લી ૧૧ મેચમાં પોતાની ટીમને જીત અપાવી શક્યો નથી. વિરાટ સાથે આવું નિર્ધારિત ઓવરોના ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરવાની સાથે-સાથે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)નું નેતૃત્વ કરતા બન્યું છે.

વિરાટ પોતાના નેતૃત્વમાં ૨૪ ફેબ્રુઆરી-૨૦૧૯ બાદથી કોઈ પણ ટીમને જીત અપાવી શક્યો નથી. આ સમય બાદથી તેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ બે ટી-૨૦ મેચ અને ત્રણ વન ડે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. IPLમાં પણ નસીબે વિરાટને સાથ આપ્યો નહીં અને આરસીબીની ટીમ વિરાટની કેપ્ટનશિપમાં ગઈ કાલની દિલ્હી કેપિટલ્સ સહિતની સતત છ મેચ હારી ચૂકી છે.

IPLમાં વિરાટ પોતાની ટીમને પાટા પર ચડાવવા ઇચ્છે છે, કારણ કે સતત થઈ રહેલા પરાજયથી મનોબળ પર અસર તો પડે જ છે. વિરાટના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ સફળતાનાં અનેક શિખર સર કર્યાં છે અને વિરાટ ફરી એ જ રસ્તે ચાલીને ઈંગ્લેન્ડમાં ભારતને વિશ્વકપની ટ્રોફી અપાવવા ઇચ્છે છે.

You might also like