દુનિયાભરમાં અવિશ્વાસ પ્રસ્તાવ છવાયોઃ રાહુલ-લોકસભા પર ટ્વિટનો મારો ચાલ્યો

મનાલી: ગઈ કાલે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન એક અજબ જ નજારો જોવા મળ્યો. પીએમ મોદી અને ભાજપ પર પ્રહારો કરતાં કરતાં રાહુલ ગાંધી મોદી પાસે જઇને ગળે મળ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનાં આવાં વર્તનથી એક પળ માટે પીએમ મોદી પણ આશ્ચર્ચચકિત રહી ગયા.

તરત જ પીએમ મોદીએ પણ રાહુલ સાથે હાથ મિલાવતાં જ તેમને શુભ કામના પાઠવતા દેખાયા. તેના પર અકાલી દળના સાંસદ હરસિમરતકૌરે કટાક્ષ કરતાં કહ્યું કે આ સાંસદ છે, અહીં મુન્નાભાઈની પપ્પી-જપ્પી ચાલશે નહીં. ત્યારબાદ આ મુદે ટિ્વટર પર પણ ઘણી ટિ્વટ થઈ હતી. સંસદની આ ચર્ચાને પાકિસ્તાનના લોકોએ પણ ખૂબ રસથી નિહાળી હતી.

રાહુલ ગાંધીએ પીએમ મોદીને મળ્યા બાદ લોકસભામાં પોતાની સીટ પર બેસતાં કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને આંખ મારે છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી જે રીતે મોદીને ગળે મળ્યા હતા તે અંગેનાં દશ્યો ટેલિવિઝન ચેનલો અને સોશિયલ મીડિયા સાઈટ પર સતત વહેતી રહી હતી. જેમાં એક ટિ્વટર યુઝરે લખ્યું હતું કે જે રીતે મોદી બીજા લોકોને ગળે લગાવે છે તે રીતે રાહુલ ગાંધીએ પણ મોદીને ગળે લગાવ્યા હતા.

ત્યારબાદ રાહુલ ગાંધી તેમના સંબોધનમાં નોટબંધી, રાફેલ ડીલ જેવા મુદ્દાને ઉઠાવીને પીએમ મોદી, રક્ષા મંત્રી નિર્મલા સીતારમન સહિત સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. આ દરમ્યાન લોકસભાની કાર્યવાહી પણ અડચણરૂપ નીવડી. ભાજપના હંગામા બાદ જ્યારે કાર્યવાહી ફરી શરૂ થઇ તો રાહુલ ગાંધીએ ખેડૂત લોન માફી અને મોબ લિંચિંગનો મુદ્દો ઉઠાવ્યો.

રાહુલ ગાંધીએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે પીએમ મોદી આ આરોપોને સાંભળ્યા બાદ મારી સામે નજર મિલાવી શકતા નથી. કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદીની સાથો સાથ ભાજપ અધ્યક્ષ અમિત શાહને પણ નિશાના પર લીધા. રાહુલે કહ્યું કે આ બંને અલગ પ્રકારના નેતા છે જે સત્તાથી બહાર રહેવાનું બર્દાશ્ત કરી શકતા નથી. રાહુલે કહ્યું કે એક વખત તેમની સત્તા ગઇ તો તેમની વિરુદ્ધ બીજી વસ્તુઓ શરૂ થશે.

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બાદમ મોદીએ જે ભાષણ આપ્યું હતું તેની ભારત કરતાં પાકિસ્તાનમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ગૂગલ ટ્રેન્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મોદીએ જે ભાષણ આપ્યું હતું તેને ભારતમાં ૬૭ ટકા લોકોએ સાંભળ્યું હતું. જ્યારે પાકિસ્તાનમાં ૭૫ ટકા લોકોએ તેમનું આ ભાષણ સાંભળ્યું હતું.

You might also like