દુનિયાના કુલ અબજોપતિમાંથી પાંચ ટકા અને કરોડપતિમાંથી બે ટકા લોકો ભારતમાં

મુંબઇ: દુનિયાના કુલ કરોડપતિની સંખ્યામાંથી બે ટકા અને કુલ અબજોપતિમાંથી પાંચ ટકા લોકો ભારતમાં રહે છે. આવનારા દશકામાં દર વર્ષે ભારતમાં એક અંદાજ મુજબ નવા ૧૦૦૦ ‘સુપર રિચ’ લોકો જોવા મળી શકે છે. નાઇટ ફ્રેન્ક વેલ્થના તાજેતરમાં આવેલા રિપોર્ટમાં આ પ્રકારનો દાવો કરાયો છે.

નાઇટ ફ્રેન્કના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દુનિયાભરના કુલ ૨૦૨૪ અબજોપતિમાંથી પાંચ ટકા અબજપતિ ભારતમાં રહે છે. એજન્સીનું માનવું છે કે વર્ષ ૨૦૧૫થી લઇને વર્ષ ૨૦૧૬ની વચ્ચે ભારતમાં અલ્ટ્રા હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ-યુએચએનડબ્લ્યુઆઇની સંખ્યામાં ૧૨ ટકા વધારો નોંધાયો છે. આ આંકડો આગામી એક દાયકા સુધી ૧૫૦ ટકા ઉપર જઇ શકે છે.

દુનિયાના ૮૯ દેશોનાં ૧૨૫ જેટલાં મોટાં શહેરોમાં ‘સુપર રિચ’ની સંખ્યામાં વધારો થયાનાે ડેટા જાહેર કર્યો છે. ભારતમાં અલ્ટ્રા હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ લોકોની સંખ્યા પાછલા એક દાયકા દરમિયાન ૨૯૦ ટકા વધી છે. નોંધનીય છે કે યુએચએનડબ્લ્યુઆઇ એવા લોકોને કહેવામાં આવે છે કે જેઓની પાસે સંપત્તિ રૂ. ૨૦૦ કરોડથી વધુ હોય.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દેશમાં અલ્ટ્રા હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલની સંખ્યામાં મુંબઇ સૌથી અગ્રેસર છે, જેમાં ૧૩૪૦ આવા લોકો રહે છે. ત્યારબાદ દિલ્હીમાં ૬૮૦, કોલકાતામાં ૨૮૦, હૈદરાબાદમાં ૨૬૦ લોકો વસવાટ કરે છે.

You might also like