સિરિયામાં કેમિકલ એટેક બાદ હવે રશિયા-અમેરિકા અને ઈરાન સામસામે

સિરિયામાં થયેલા રાસાયણિક હુમલા બાદ રશિયા અને સિરિયાને ચેતવણી આપતાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ હુમલાની તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે, જોકે રશિયાએ અમેરિકાના આ આક્ષેપને નકારી કાઢ્યા હતા અને એમ પણ જણાવ્યું હતું કે તેમનો દાવો ખોટો છે. સિરિયાએ તેના હરીફોના અડ્ડાને દૂર કરવા માટે રાસાયણિક હુમલા કર્યા હોવાનું કહેવાય છે. વ્હાઈટ હેમ્લેટ્સ દ્વારા જારી કરાયેલા વીડિયો ફૂટેજમાં દૌમામાં મૃતકોની ચામડી પીળી પડી ગયેલી અને મોઢામાંથી ફીણ નીકળતાં જોવા મળતાં હતાં.

આ હુમલો ઝેરી ગેસનો હોવાનું માનવામાં આવે છે. ફૂટેજમાં બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું પણ દેખાતું હતું. આ સામે ટ્રમ્પે ટ્વિટ કરીને ‌િસરિયામાં મૂર્ખતાભર્યા રાસાયણિક હુમલા માટે રશિયાના વ્લાદીમીર પુતિન અને સિરિયાના પ્રમુખ બશર-અલ-અસદ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જ ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને પણ આ હુમલાને વખોડી કાઢ્યો હતો. આમ, એક તરફ ‌સિરિયા અને રશિયા તેમજ તેનાં સાથી રાષ્ટ્રો અને સામેની તરફ અમેરિકા અને ફ્રાંસ સામસામે ગોઠવાઈ ગયાં છે. આ રાસાયણિક હુમલા પછી ઘટનાના દિવસે પરોઢ પહેલાં મધ્ય સિરિયામાં આવેલા ટી-૪ નામના લશ્કરી મથક પર અનેક મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા. સિરિયાને આ હુમલા અમેરિકા દ્વારા કરાવવામાં આવ્યા હોવાનું જણાતું હતું પણ અમેરિકાની જાસૂસી સંસ્થા પેન્ટાગોને આ હુમલામાં તેમનો હાથ ન હોવાનું સ્પષ્ટપણે જણાવી દીધું હતું. આ મિસાઈલ હુમલા ઈઝરાયલ દ્વારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

 

બીજી તરફ આ અંગે સિરિયાએ અમેરિકા પર આક્ષેપ મૂક્યો તેનું કારણ એ પણ હતું કે ૨૦૧૭ના એપ્રિલ મહિનામાં કરાયેલા રાસાયણિક હુમલાના વળતા જવાબરૂપે અમેરિકાએ તેમના યુદ્ધજહાજ પરથી અનેક મિસાઈલ શાયરાત હવાઈ મથક પર છોડ્યાં હતાં. આમ, બરાબર એક વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૭ના એપ્રિલ મહિનામાં ‌િસરિયાએ કરેલા રાસાયણિક હુમલાના જવાબમાં અમેરિકા ત્રાટક્યું હતું, એ જ રીતે ફરી એક વાર તેમણે મિસાઈલ હુમલો કર્યો હોવાનું માનવામાં આવતું હતું.અમેરિકામાં ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા પછી તેઓ સતત વિવાદમાં ઘેરાયેલા જ રહે છે અને ઉત્તર કોરિયા હોય કે ‌સિરિયા તેઓ સતત જ માથું મારવા માટે તૈયાર હોય છે.

ચીન, રશિયા, ઉત્તર કોરિયાની સામે બાંયો ચઢાવનારા ડોનાલ્ડ ટ્રમ્પ જ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ખેંચી જાય એવી શક્યતા અત્યારે તો દેખાઈ રહી છે, પરંતુ જો બળવાખોરોના હાથમાંથી શહેરનો કબજો મેળવવા માટે ‌િસરિયાના પ્રમુખ બશર-અલ-અસદે રાસાયણિક શસ્ત્રો વડે હુમલો કરાવ્યો હોય તો તેમનું એ પગલું નિંદનીય જ છે. આ રીતે કરાયેલા હુમલામાં સૌથી વધારે અસર દૌમામાં વસનારાં બાળકોને થઈ છે ત્યારે આખી દુનિયા સિરિયાની વિરુદ્ધમાં થઈ જાય એ એટલું જ સ્વાભાવિક છે.

અત્યારે ચારે બાજુ ત્રીજા વિશ્વયુદ્ધના પડઘમ વાગી રહ્યા હોય એવું વાતાવરણ છે. ભારત અને ચીન એકબીજા સામે બાંયો ચઢાવી રહ્યાં છે, ઉત્તર કોરિયા અને અમેરિકા એકબીજાને ધમકી આપી રહ્યાં છે, ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર શરૂ થઇ છે, જેની અસર આખી દુનિયાને થાય એવી શક્યતા છે. હવે સિરિયામાં થયેલા રાસાયણિક હુમલાના પગલે રશિયા અને અમેરિકા સામસામે આવી ગયાં છે. સિરિયાના બળવાખોરોના કબજા હેઠળના દૌમા શહેર પર કબજો જમાવવા માટે સિરિયાએ રાસાયણિક શસ્ત્રો વડે કરેલા હુમલામાં ૧૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં બાળકોની સંખ્યા ખૂબ જ મોટી હોવાથી તેના આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

ઘૌટાના આ નગર દૌમા પર જૈશ-અલ-ઈસ્લામના બળવાખોરોનો કબજો છે. અગાઉ ‌સિરિયા સાથે બે વાર થયેલી વાટાઘાટ પછી જૈશ-અલ-ઈસ્લામે ૪૮ કલાકમાં જ દૌમા છોડવાની તૈયારી દાખવી હતી પણ આ વાટાઘાટ પડી ભાંગતાં રાસાયણિક શસ્ત્રો અને ઝેરી ગેસના ઉપયોગથી હુમલો કરવામાં આવ્યો હતો.

આ રીતે સિરિયામાં થયેલા રાસાયણિક હુમલા બાદ એકાએક અમેરિકા આ મામલે કેમ સૂફિયાણી સલાહ આપવા કૂદી પડ્યું? તે અંગે હાલ વિવિધ અટકળો વહેતી થઈ ગઈ છે.

You might also like