આતંકવાદ સામેની લડાઈ સંયુક્ત રીતે લડવાની જરૂરઃ નરેન્દ્ર મોદી

અંતાલ્યા: જી-૨૦ શિખર બેઠકમાં પેરિસ પર થયેલો આતંકી હુમલો કેન્દ્રસ્થાને રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદનો સામનો વૈશ્વિક રીતે સંગઠિત બનીને કરવા અનુરોધ કર્યો હતો. વિશ્વના નેતાઓ એક સૂરે આઇએસ નેટવર્કનો સફાયો કરવા સંમત થયાં હતાં.
મોદીએ અત્રે જી-૨૦ બેઠકમાં જણાવ્યું હતું કે, આજે આપણે આતંકવાદના ઘાતકી કૃત્યોની પૃષ્ઠભૂમિમાં મળી રહ્યા છીએ. આતંકવાદનો સામનો કરવાની બાબત જી-૨૦ માટે ટોચની પ્રાથમિકતા હોવી જોઇએ.

તુર્કીના દરિયા કિનારાના અંતાલ્યા રિસોર્ટ શહેરમાંઆજથી બે દિવસની શિખર બેઠકનો પ્રારંભ થયો હતો. અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ પેરિસ હુમલાખોરોને ઝડપી પાડવામાં ફ્રાંસની સાતે રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે વિકૃત વિચારધારાના આધારે નિર્દોષ લોકોની હત્યા એ માત્ર ફ્રાન્સ પરનો હુમલો નથી. તુર્કી પરનો હુમલો નથી, પરંતુ સમગ્ર સભ્ય વિશ્વ પરનો હુમલો છે. ઓબામાએ આઇએસ જેહાદી નેટવર્કનો સફાયો કરવા માટેના પ્રયત્નો બમણા કરવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
જી-૨૦ સિખર સંમેલનમાં મુખ્યત્વે સમાવેશી આર્થિક વિકાસ અને જલવાયુ પરિવર્તનના મુદ્દે ચર્ચા થવાની અપેક્ષા હતી, જેમાં એક એવો પણ ઠરાવ પસાર કરવાની અપેક્ષા છે કે જેમાં આતંકવાદ માટે મદદરૃપ સંજોગોનો સામનો કરવા માટે પરસ્પર સંકલન તથા માહિતીના આદાનપ્રદાન સાથે આતંકવાદીઓને મળતો નાણાં-સ્ત્રોત અટકાવી શકાય.

જી-ર૦ સંમેલન અગાઉ બ્રિક્સ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલાની કઠોર શબ્દોમાં નિંદા કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ત્રાસવાદ સામેની લડાઈ માટે વિશ્વને હવે એક થઇને લડવાની જરૃર છે. જી-૨૦ શિખર બેઠક પહેલા મોદીએ આ વાત કરી હતી.  મોદીએ કહ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈનો મુદ્દો બ્રિક્સ દેશોની પ્રાથમિકતામાં સામેલ થાય તે જરૃરી છે. બ્રિક્સની બેઠકમાં રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન, ચીનના પ્રમુખ શી જિંગપિંગ, દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકોબ જુમા અને બ્રાઝિલના પ્રમુખ ડિલ્મા રોસેફ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ જી-૨૦ સમિટના ભાગરુપે બ્રિક્સ નેતાઓની બેઠકમાં કહ્યું હતું કે,પેરિસમાં આતંકવાદના ખતરનાક સ્વરુપને અમે એક સાથે વખોડીએ છીએ. આતંકવાદને રોકવા માટે સંયુક્ત પ્રયાસો હવે જરૃરી બની ગયા છે. ત્રાસવાદી હુમલાઓ હાલમાં વિશ્વના જુદા જુદા દેશોમાં થઇ રહ્યા છે.

પહેલી ફેબ્રુઆરી ૨૦૧૬થી બ્રિક્સના ચેરમેનશીપની જવાબદારી ભારત સંભાળનાર છે. આવી સ્થિતિમાં મોદી આતંકવાદને રોકવાની બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી શકે છે. ગઇકાલે પેરિસમાં આઈએસ દ્વારા ભીષણ હુમલાને અંજામ અપાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ફ્રાન્સના પાટનગર પેરિસમાં અનેક જગ્યાએ અંધાધુંધ ગોળીબાર અને આત્મઘાતી હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યુ હતું. બ્લાસ્ટ એ ગોળીબારની ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૬૦ લોકોના મોત થયા હતા અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બીજા વિશ્વ યુદ્ધ બાદ ફ્રાંસમાં હજુ સુધીના સૌથી મોટા હુમલા તરીકે આને જોવામાં આવે છે.

ઇરાક અને સિરિયામાં છેલ્લા ઘણા સમયથી વર્ચસ્વ ધરાવનાર આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. હુમલાઓ બાદ જવાબી કાર્યવાહીમાં આઠ આતંકવાદીઓના મોત થયા હતા. જો કે, આ આઠ આતંકવાદીઓ પૈકીના સાત આતંકવાદીઓ આત્મઘાતી બોંબરો હતા અને આ બોંબરોએ ભરચક સ્થળમાં જ પોતાને ફૂંકી માર્યા હતા. મુંબઈ સ્ટાઈલના મલ્ટીપલ ત્રાસવાદી હુમલાથી ફ્રાંસ પણ હચમચી ઉઠ્યું હતું.

You might also like