દુનિયાનું સૌથી મોંઘું બર્ગરઃ કિંમત સાંભળી ચોંકી જશો તમે…

બર્ગરનું નામ લેતાં જ મોંમાં પાણી આવી જતું હોય છે અને તમે ઝટપટ બર્ગરનો ઓર્ડર આપી દેતા હો છો. બર્ગરની કિંમત આમ તો સામાન્ય હોય છે, પરંતુ અહીં એક એવા બર્ગરની વાત કરી રહ્યા છીએ કે જેની કિંમત સાંભળીને તમે ચોંકી ઊઠશો.

આ દુનિયાનું સૌથી મોંઘું બર્ગર છે અને તેની કિંમત રૂ.૬૩,૦૦૦ છે. હા, ટોકિયોની એક રેસ્ટોરાં દુનિયાના સૌથી મોંઘા બર્ગરનું વેચાણ શરૂ કરનાર છે. આ બર્ગરને ઓકડોર સ્ટિક હાઉસમાં કામ કરનારા શેફ પેટ્રિક શિમાદાએ તૈયાર કર્યું છે. આ બર્ગર ખાસ ચીજોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

શેફ પેટ્રિક શિમાદાએ જણાવ્યું હતું કે જાપાન હવે નવા ઇમ્પિરિયલ યુગમાં પ્રવેેશી રહ્યું છે અને તેેથી જાપાન હંમેશાં કંઇને કંઇક નવું કરવાનું વિચારે છે. રૂ.૬૩,૦૦૦ની કિંમતમાં વેચાતા આ બર્ગરનું નામ ગોલ્ડન જાયન્ટ બર્ગર રાખવામાં આવ્યું છે. આ બર્ગરનું વેચાણ જૂનથી શરૂ થશે. આ બર્ગરને બનાવવા માટે બીફ સ્લાઇસ, ચીઝ, ટામેટાં અને અન્ય આઇટમોનો ઉપયોગ કરવામાં આવનાર છે, પરંતુ તેમાં ખાસ બાબત એ છે કે આ બર્ગર માટે ડસ્ટેડ ગોલ્ડથી બનેલ બનનો ઉપયોગ કરવામાં આવશે.

આ બર્ગર ૬ ઇંચ પહોળું અને ૧૦ ઇંચ લાંબું છે. જાપાનના ક્રાઉન પ્રિન્સ નરુ હિતોએ પદ સંભાળ્યાની ઉજવણીના સંદર્ભમાં આ ખાસ બર્ગર તૈયાર કરવામાં આવ્યું છે. જો કોઇને આ બર્ગર ખાવું હશે તો ત્રણ દિવસ પહેલાં ઓર્ડર બુક કરાવવો પડશે.

You might also like