વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટને મહિને રૂ.૫૦ લાખ સુધીનું ફંડ ફાળવાશે

અમદાવાદ: વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની અસ્મિતાના જતન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ ગઠિત કરાયેલા અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટને હવે દર મહિને રૂ. ૫૦ લાખ સુધીનું ફંડ વિવિધ ઉપયોગ માટે મળશે. આવતા ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ અંગેની દરખાસ્તને મંજૂરી માટે મુકાઈ છે.

આમ તો દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ પ્રાપ્ત કરવા મુંબઈ અને દિલ્હીએ પણ યુનેસ્કોમાં દાવેદારી નોંધાવી હતી, પરંતુ યુનેસ્કોએ અમદાવાદના કોટ વિસ્તારના હિન્દુ, જૈન અને ઈસ્લામિક પરંપરા આધારિત અમૂલ્ય વારસા તેમજ કાષ્ઠશૈલીના આકર્ષક મકાનના કારણે મુંબઈ અને દિલ્હીના દાવાને ફગાવ્યા હતા અને ગત જુલાઈ-૨૦૧૭માં અમદાવાદને દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું હતું.

તંત્ર દ્વારા શહેરનાં હેરિટેજ મૂલ્યોના સંવર્ધન માટે ખાસ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટનું ગઠન કરાયું છે. આ ટ્રસ્ટને ગત નવેમ્બર-૨૦૧૭માં ચેરિટી કમિશનરની પણ માન્યતા મળી ગઈ છે. મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર તેમના હોદ્દાની રૂએ આ ટ્રસ્ટના પ્રમુખ છે.

આ ઉપરાંત કુલ નવ ટ્રસ્ટી ધરાવતા આ ટ્રસ્ટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હોદ્દાની રૂએ પ્રવીણ પટેલ,  રિક્રિએશન કમિટીના ચેરમેનના હોદ્દાની રૂએ બીજલબહેન પટેલ, હેરિટેજ કન્ઝર્વેશન કમિટીના ચેરમેન પી. કે. ઘોષ, ઉદ્યોગપતિ સામવેદ લાલભાઈ, હેરિટેજનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનરના હોદ્દાની રૂએ કેતન ઠક્કર, નિવૃત્ત આઈએસ અધિકારી આઈ. કે. સૈયદ, સંઘના અગ્રણી અમૃત કડીવાલા અને ભાજપના અગ્રણી ડો. હેમંત ભટ્ટનો ટ્રસ્ટી તરીકે સમાવેશ કરાયો છે.

અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટની અત્યાર સુધી બે બેઠક યોજાઈ ગઈ છે, પરંતુ તેમાં હેરિટેજ અસ્મિતાને કેન્દ્રસ્થાને રાખીને ફંડના અભાવે કોઈ નીતિવિષયક નિર્ણય લેવાયા ન હતા, જોકે હવે મ્યુનિસિપલતંત્ર દ્વારા ટ્રસ્ટને દર મહિને રૂ.૫૦ લાખની મર્યાદામાં ફંડ ફાળવવાની દિશામાં ચક્રો ગતિમાન કરાતાં ટ્રસ્ટ ખરા અર્થમાં ગતિશીલ બનશે.

દરમિયાન જાણકાર સૂત્રો કહે છે, અગાઉ ભાજપના શાસકો દ્વારા શહેરના હેરિટેજ સ્મારકના જતન અને વિકાસ માટે રૂ.૨૦૦ કરોડના અલાયદા ફંડની કેન્દ્ર સરકાર સમક્ષ મહિનાઓ અગાઉ રજૂઆત કરાઈ છે, જોકે હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી ટ્રસ્ટને એક રૂપિયાનું ફંડ પણ ફાળવાયું નથી.

You might also like