વૈશ્વિક સોનામાં ત્રણ દાયકામાં સૌથી મજબૂત ત્રિમાસિક સુધારો

અમદાવાદ: કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના જાન્યુઆરીથી માર્ચ મહિનાના સમયગાળામાં વૈશ્વિક સોનાના ભાવમાં મજબૂત સુધારો નોંધાયો હતો.  ડોલરની નરમાઇ તો બીજી બાજુ યુએસ ફેડરલ રિઝર્વે હાલ વ્યાજના દરમાં વધારો નહીં કરવાના આપેલા સંકેતોએ વૈશ્વિક સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે. સોનું ૦.૨ ટકાના સુધારે ૧૨૨૫ ડોલરની સપાટીની ઉપર ૧૨૨૬ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં છે. જાન્યુઆરીથી માર્ચ મહિનાના સમયગાળામાં સોનામાં ૧૫.૬ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જે પાછલા ત્રણ દાયકાનો સૌથી મજબૂત ઉછાળો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક હેજ ફંડો દ્વારા સલામત રોકાણ તરીકે સોનામાં રોકાણ વધારાતાં મજબૂત ઉછાળો નોંધાયો છે. એ જ પ્રમાણે ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં ઇકોનોમી ગ્રોથ નીચો જોવાવાના બહાર આવેલા અહેવાલો પાછળ વૈશ્વિક બજારમાં સોનામાં ખરીદી નોંધાઇ હતી.

તાજેતરમાં જ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વૈશ્વિક ગ્રોથ અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. તેની અસરે પણ સોનાના ભાવમાં મજબૂતાઇ જોવાઇ હતી. વૈશ્વિક ઈક્વિટી બજારમાં અપેક્ષા કરતાં નીચા રિટર્નના કારણે રોકાણકારો દ્વારા સોનામાં રોકાણ વધારાતાં સુધારો નોંધાયો હતો.

You might also like