વિશ્વ પર્યાવરણ દિવસઃ 1,000 વર્ષ લાગે છે પ્લાસ્ટિકને નષ્ટ થવામાં!

નવી દિલ્હી: તાજેતરના દિવસોમાં દરેક ક્ષેત્રમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે તે ધરતી અને સમુદ્રને પ્રદૂષિત કરવાની સાથે-સાથે સમુદ્રના જીવો અને માનવ સમસ્યાઓ માટે પણ ગંભીર ખતરો બન્યો છે. અત્યાર સુુધી તેનો કોઇ ઠોસ વિકલ્પ શોધી શકાયો નથી. આ જ કારણ છે કે આ વખતે પ જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ને ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ પર મનાવવાનો નિર્ણય કરાયો છે.

આ દ્વારા સરકારે ઉદ્યોગો, વિવિધ સમુદાય અને સામાન્ય જનતાએ મળીને પ્લાસ્ટિક સામે લડવાનો અનુરોધ કર્યો છે, જેના કારણે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધીને પ્લાસ્ટિકનાં ઉત્પાદનોમાં ઘટાડો કરી શકાય. ભારત આ વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’નું ગ્લોબલ હોસ્ટ પણ છે.

પ્લાસ્ટિકના આંકડાઓ પર નજર કરીએ તો જાણ થાય છે કે દર વર્ષે દુનિયાભરમાં પ૦૦ અબજ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. મોટા પ્રમાણમાં ઉત્પાદનના કારણે તેની સામે લડવું એ ગંભીર પડકાર છે. પ્લાસ્ટિક નષ્ટ થતું નથી અને સડતું પણ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્લાસ્ટિક પ૦૦થી ૭૦૦ વર્ષ બાદ નષ્ટ થવાની શરૂઆત થાય છે. તેને સંપૂર્ણ રીતે ડિગ્રેડ થવામાં ૧,૦૦૦ વર્ષ લાગી જાય છે. એનો મતલબ એ થયો કે જેટલું પણ પ્લાસ્ટિકનું ઉત્પાદન શરૂ થયું છે તે હજુ સુધી નષ્ટ થયું નથી.

પ્લાસ્ટિક નાના નાના ટુકડામાં તૂટે છે, પરંતુ નષ્ટ થતું નથી. તેના કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. દુનિયાભરમાં માત્ર એકથી ત્રણ ટકા પ્લાસ્ટિક જ રિસાઇકલ થઇ શકે છે. લોકો તેને સળગાવીને વિચારે છે કે તેને નષ્ટ કરી દેવાયું જ્યારે પ્લાસ્ટિકને સળગાવવું વધુ ખતરનાક છે. પ્લાસ્ટિકના કચરામાંથી એવો ગેસ નીકળે છે, જે ફેફસાંના કેન્સરનું કારણ બની શકે છે.

વિજ્ઞાનીઓએ એવી પણ આશંકા વ્યકત કરી છે કે જો પ્લાસ્ટિકનો વિકલ્પ નહીં શોધાય તો આગામી ૩૦ વર્ષમાં સમુદ્રમાં માછલીઓ કરતાં પ્લાસ્ટિક વધુ હશે. આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ તેમાં પ૦ ટકા સિંગલ યુઝ કે ડિસ્પોઝેબલ હોય છે. દરેક મિનિટમાં દુનિયામાં લગભગ ૧૦ લાખ પ્લાસ્ટિક બોટલ ખરીદવામાં આવે છે. દુનિયાભરમાં જે પણ કચરો ઉત્પન્ન થાય છે તેમાં ૧૦થી ર૦ ટકા ભાવ પ્લાસ્ટિકનો જ હોય છે.

You might also like