ખુરશી પર ટોવેલ રાખીને વિશ્વ કપની તૈયારી

મુંબઈઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ટી-૨૦ વર્લ્ડ કપમાં ખિતાબ જીતવા માટે કોઈ કસર છોડવા માગતી નથી. ટૂર્નામેન્ટ ખાસ છે એટલે તૈયારીઓ પણ ખાસ જ કરવી રહી. આથી વાનખેડે સ્ટેડિયમમાં અપરંપરાત રીતે ઈંગ્લેન્ડની ટીમ પ્રેક્ટિસ કરતી જોવા મળી.

ઈંગ્લેન્ડે છ વર્ષ પહેલાં ૨૦૧૦માં ટી-૨૦ વિશ્વ કપ જીત્યો હતો, જે ક્રિકેટના જનક દેશનો એકમાત્ર વિશ્વ ખિતાબ છે. અહીં ગઈ કાલે પ્રેક્ટિસ સેશન દરમિયાન વિકેટકીપર જોસ બટલર અને સહાયક કોચ પોલ ફારબ્રેસે અનોખો ઉપાય અપનાવ્યો. એમણે બે ખુરશીઓને એકબીજાથી થોડી નજીક રાખી અને તેને ટોવેલથી ઢાંકી દીધી. ખુરશીની એક બાજુ સ્ટમ્પ લગાવી અને પાછળ જોસ બટલર ઊભો રહ્યો. બીજી તરફથી પોલે ટેનિસ રેકેટ લઈને બોલને ખુરશીની નીચેથી બટલર તરફ મારવાનું શરૂ કર્યું.

આવું શા માટે?
બટલરે આવું એટલા માટે કર્યું, કારણ કે ભારતની ટર્ન લેતી પીચો પર વિકેટકીપરને બોલને જોવા માટેની તક મોડી મળે છે અને તેણે ત્વરિત નિર્ણય લેવાનો હોય છે. પ્રેક્ટિસ સમયે ટોવેલની પાછળ આવતો બોલ તેને દેખાતો નહોતો, જેનાથી બટલરને સારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ.

You might also like