ઈંગ્લેન્ડનો માર્ક બન્યો મહાબલિ

વારાણસીઃ ઈંગ્લેન્ડના માર્ક ફેલિક્સે વર્લ્ડ સ્ટ્રોંગેસ્ટમેન ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે. તેણે છ સ્પર્ધાઓમાંથી ત્રણ જીતી લીધી છે. ગત શનિવારે મિની બસ પુલિંગની પહેલી સ્પર્ધા જીતી લીધા બાદ ગઈ કાલે બસ પુલિંગની બીજી સ્પર્ધા અને ફાર્મર વોકમાં તેણે પહેલું સ્થાન હાંસલ કર્યું હતું. ઇસ્તોનિયાનાે ટર્મો મિટ બીજા અને રશિયાનો મિખાઇલ ત્રીજા સ્થાન પર રહ્યો.

ગઈ કાલે પહેલી ફાર્મર વોર સ્પર્ધા યોજાઈ, જેમાં ફેલિક્સ બંને હાથમાં ૨૬૦ કિ.ગ્રા. વજન ઉપાડીને ૬૧.૨૫ મીટર સુધી ચાલ્યો હતો. ટર્મો ૬૦ મીટર સુધી ચાલ્યો હતો. ત્યાર બાદ બસ પુલિંગમાં આખા શરીરે દોરડું બાંધીને ૧૬ ટનની બસને ૨૦ મીટર સુધી ખેંચવાની હતી. ફેલિક્સ ૨૮.૧૭ સેકન્ડમાં બસને ખેંચીને પ્રથમ સ્થાને રહ્યો હતો. ભારતના લેખરાજને કોઈ સ્થાન પ્રાપ્ત થયું નહોતું. શનિવારે બંને હાથે દોરડું બાંધીને મિની બસ ખેંચવામાં પણ માર્ક પ્રથમ રહ્યો હતો. જીપ અને ૩૦૦ કિ.ગ્રા. વજનની રેન્કમાં આયર્લેન્ડના મેથ્યુએ બે મિનિટ, ૨૧ સેકન્ડ રોકીને પહેલું સ્થાન હાંસલ કર્યું હતું. ૨૧ વર્ષીય મેથ્યુ સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો.

ફેલિક્સ પ્રોફેશનલી બિલ્ડર છે. તેણે જણાવ્યું કે અહીં આવતાં પહેલાં તે ફ્લૂથી પીડાતો હતો, પરંતુ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની તેની ઇચ્છા હતી. આ ઇચ્છાશક્તિથી જ ફ્લૂની બીમારી કોઈ રુકાવટ બની શકી નહોતી.
પંજાબના લેખરાજનું કહેવું હતું કે હું પહેલી વાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો હતો તેથી વધુ જાણકારી મારી પાસે નહોતી. ભવિષ્યમાં હું શાનદાર પ્રદર્શન કરીશ. આ વર્ષે મુંબઈમાં સ્ટ્રોંગેસ્ટમેન ઓફ ઇન્ડિયા (પાવર લિફ્ટિંગ)નો ખિતાબ જીતનારા ૨૩ વર્ષીય લેખરાજનું કહેવું છે કે તે જિમમાં પ્રેક્ટિસ કરવાની સાથે સાથે ખેતરમાં ત્રણ કલાક મજૂરી પણ કરે છે.

You might also like