ભારતમાં બાળકોના આરોગ્યની સ્થિતિ અંગે વિશ્વ બેન્કનો રિપોર્ટ ચિંતાજનક

વિશ્વ બેન્કે ૧પ૭ દેશોમાં બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને તેમના જીવિત રહેવાની સંભાવના પર કરાયેલા અભ્યાસ આધારિત રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારતનો પણ સમાવેશ છે. બીજા દેશોમાં બાળકોની સ્થિતિની ચિંતા પછી કરીએ પણ રિપોર્ટ મુજબ ભારતની સ્થિતિ સારી નથી.

ચોંકાવનારી વાત એ છે કે રિપોર્ટમાં નેપાળ, શ્રીલંકા, મ્યાન્માર અને બાંગ્લાદેશ કરતાં પણ નીચેના સ્થાને મુકાયું છે. ભારતનો ક્રમ ૧૧પમા સ્થાને છે. સિંગાપોર આ લિસ્ટમાં સૌથી ઉપર છે. આપણા માટે વધારે શરમજનક બાબત એ છે કે બાળકોની સ્થિતિ જે દેશોમાં સારી છે તે ટોચના દેશોમાં ચાર એશિયાના છે. અલબત્ત, ભારતે આ રિપોર્ટને ફગાવી દીધો છે, પરંતુ તેમ કરવાથી બાળકોની સ્થિતિ સુધરી જવાની નથી.

ભારત સરકારનું કહેવું છે કે માનવ સૂચકઆંકને સુધારવા ભારતે કરેલા પ્રયાસોની રિપોર્ટમાં નોંધ લેવામાં આવી નથી, સરકારનું કહેવું છે કે રિપોર્ટમાં શિક્ષા અભિયાન, આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના, જન ધન યોજનાની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે, જોકે હકીકત છે કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓને આવા સર્વે કરવામાં અનેક મર્યાદાઓ નડે છે. વળી, એજન્સીઓના પૂર્વગ્રહ પણ હોય છે.

રિપોર્ટ વાસ્તવિકતાથી કેટલો નજીક કે દૂર છે તે ચર્ચા બાજુ પર મૂકીએ તો પણ તેનાથી આપણે આ દિશામાં અત્યાર સુધી શું કર્યું અને હજુ કેટલું કરવાનું છે તેના આત્મચિંતનની તક તો આપે જ છે. આ એક કડવું સત્ય છે કે આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરવા છતાં માનવ વિકાસમાં આપણી સ્થિતિ અનેક વિકાસશીલ દેશો કરતાં ખરાબ છે.

દેશના ક્ષેત્રના જાણકારો કહે છે કે પરિસ્થિતિ ચોક્કસ બદલાઇ રહી છે, પરંતુ આપણી સામે જે પડકારો છે તેની તુલનાએ સુધારાની ગતિ અત્યંત ધીમી છે. નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંતે પણ કહ્યું હતું કે માનવ વિકાસદરમાં સુધારા વિના ૧૦ ટકાની આસપાસ આર્થિક વિકાસદરને લઇ જવો અસંભવ છે.

બાળકોનો મૃત્યુદર દેશમાં ઘટી રહ્યો છે. ૧૯૯૦માં પ્રતિ એક હજારે ૧ર૯ બાળકો મોતને ભેટતાં હતાં તે ઘટીને આજે ૩૯ થઇ ગયાં છે. દુનિયાભરમાં થતાં મૃત્યુમાં પણ ભારતનો દર ઘટીને ૧૮ ટકા થયો છે.

આ સુધારો આવકાર્ય છે પણ આ દિશામાં ભારતે હજુ ઘણું બધું કરવાનું બાકી છે. સ્વાસ્થ્ય સેવામાં સતત સુધારા છતાં હજુ માળખાકીય સુવિધામાં પછાત છે. આ ક્ષેત્રે ભારત જીડીપીના માત્ર ૧.૧પ ટકા ખર્ચ કરે છે, જે નગણ્ય કહી શકાય. ભારતની ગણતરી સ્વાસ્થ્ય ક્ષેત્રે સૌથી ઓછો ખર્ચ કરતા દેશોમાં થઇ
રહી છે.
અલબત્ત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે આયુષ્માન ભારત દ્વારા દેશના પ૦ કરોડ જેટલા લોકોને મફત આરોગ્ય સેવા હેઠળ આવરી લીધા છે તે સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે એક મોટું કદમ છે. ગત રપ સપ્ટેમ્બરથી ભારત સરકારે આ યોજના અમલમાં મૂકી છે, જે અંતર્ગત વાર્ષિક પાંચ લાખ સુધીની સહાય મળશે, જોકે વીમાની યોજના છે. આરોગ્યની પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો અનેક રાજ્ય હજુ પછાત છે.

ખાસ કરીને ગામડાંમાં શિક્ષણ ક્ષેત્રે સુધારા થયા છે પણ હજુ અંધકારની સ્થિતિ પણ છે. આપણી પાસે યોજનાઓ છે. સરકાર ખર્ચ કરે છે પણ તેના અમલીકરણમાં એવી ખામીઓ છે કે લાભાર્થીઓ સુધી યોજનાઓ જેટલી પહોંચવી જોઇએ તેટલી પહોંચતી નથી. સરકારે તેમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે.

વળી, સરકારીતંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના કારણે કરોડો-અબજો રૂપિયા ચાંઉ થઇ જાય છે. વાસ્તવિકતા એ છે કે અગાઉની યુપીએ સરકારે પણ તેના દસ વર્ષના કાર્યકાળમાં આરોગ્ય ક્ષેત્રની ઉપેક્ષા કરી હતી. તે અગાઉની સરકારોએ પણ તેને ખાસ મહત્ત્વ આપ્યું ન હતું.

આપણા દેશની કરુણતા એ પણ છે કે યોજનાઓ પણ વોટબેન્કને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે ખૂબ મોટું બજેટ ફાળવતા દેશોમાં અમેરિકા, બ્રિટન, નોર્વે,‌ સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, ઓ‌િસ્ટ્રયા, કેનેડા, સિંગાપોર, લક્ર્ઝમબર્ગ જેવા દેશો ટોચ પર છે, જોકે આ વિકસિત દેશો છે પણ વિકાસશીલ દેશોની વાત કરીએ તો ભારત હજુ ઘણું પાછળ છે.

You might also like