સિને કર્મચારીઅોની હડતાળ: KBC સહિત અનેક શૂટિંગ રદ

મુંબઈ: અાશરે અઢી લાખ સિને કર્મચારીઅો અને વર્કરો તેમની વિવિધ માગણીઅોને લઈને ૧૪ અોગસ્ટની રાતથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ગયા છે. ફેડરેશન અોફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ સાથે જોડાયેલા સભ્યો હડતાળમાં ભાગ લઈ રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી હડતાળ પર ઊતરેલા સ્પોટ બોય, જુનિયર કલાકારો અને તમામ વર્કરો શૂટિંગથી દૂર રહ્યા હતા જેના કારણે ટીવી સિરિયલો અને ફિલ્મોનાં શૂટિંગ અટકી પડ્યાં હતાં.

અા હડતાળનું નિરાકરણ લાવવા એક પ્રતિનિધિ મંડળ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળશે. ગોરેગાંવ સ્થિત ફિલ્મ શૂટિંગ સ્ટુડિયોમાં કૌન બનેગા કરોડપતિના અાગામી અેપિસોડનું શૂટિંગ કરવા અાવેલા અમિતાભ બચ્ચનને ફેડરેશન અોફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝના અાગેવાનોઅે વિનંતી કરતાં તેઅો શૂટિંગ છોડીને ચાલ્યા ગયા હતા.

અા ઉપરાંત ૩૭ કરતાં વધુ ટીવી સિરિયલોનાં શૂટિંગ રઝડી પડ્યાં છે. કેટલાક મોટા બેનર અને સ્ટાર કલાકારોના અભિનયવાળી ફિલ્મોનાં શૂટિંગ પણ અટકી પડ્યાં છે. ફેડરેશનના પ્રમુખ બિરેન્દ્રનાથ તિવારીઅે જણાવ્યું કે અમે લાંબા સમયની અમારી માગણીઅોને પૂર્ણ કરાવવા માટે હડતાળ પર ઊતર્યા છે. વર્કરો પાસે ૮ કલાકથી વધુ કામ કરાવવામાં અાવે છે અને તેમની કોઈ સિક્યોરિટી પણ હોતી નથી.

૨૦૧૫માં અમને પ્રોડ્યુસરોઅે ખાતરી અાપી હતી કે તેમના પગારમાં ૧૩ ટકાનો વધારો થશે પરંતુ તે થયો નથી. નિર્માતાઅો કહે છે કે જીએસટી અને નોટબંધીના કારણે તેઅો તકલીફમાં છે. અમે દર પાંચ વર્ષે પગાર વધારવાની માંગણી કરીઅે છીઅે જેની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે.

અાજે અમે અમારી માગણી સંદર્ભે અમિતાભ બચ્ચન, નાના પાટેકર, સંજય દત્ત, સુનીલ શેટ્ટી અને અક્ષયકુમાર અને ફિલ્મ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાળાને મળીશું. ગઈકાલે અમે અમિતાભ બચ્ચનને તેમની અાગામી સિરિયલ કેબીસી-૯નું શૂટિંગ રદ કરવા વિનંતી કરી. તેમને અમારી વિનંતીને માન અાપીને શૂટિંગ રદ કર્યું. અમે હજુ વધુ કલાકારોને મળીશું અને અમારી માગણી જણાવીશું.

You might also like