કામ પૂરું થયું તેના ફોટા અપલોડ કરો તે પછી જ પેમેન્ટ કરાશે

અમદાવાદ: ગોવા રાજ્ય કરતાં પણ અમદાવાદ શહેરનું વાર્ષિક બજેટ વધારે છે. આશરે રૂ. ૫૫૦૦ કરોડનું જંબો બજેટ ધરાવતા કોર્પોરેશનમાં લાંબા સમયથી ભ્રષ્ટાચારનો ભોરિંગ ફૂંફાડા મારે છે. ઇજનેર, હેલ્થ, એસ્ટેટ, ટીડીઓ જેવા વિભાગો સામે અવારનવાર ભ્રષ્ટાચારના આક્ષેપ ઊઠતા આવ્યા છે.

કેટલાક અધિકારીઓ વર્ષોથી એકના એક હોદ્દા પર ફરજ બજાવતા હોઇ લેભાગુ તત્ત્વોને પોતાનું અંગત હિત સાધવામાં અનુકૂળતા પડે છે. આવા અધિકારીઓના નામની યાદી તૈયાર થઇ રહી છે. ઉપરાંત કમિશનરે જે તે કામના આડેધડ પેમેન્ટ સંબંધી ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકવાની દિશામાં પણ હિલચાલ હાથ ધરી છે.

આગામી દશેક દિવસમાં મ્યુનિ. કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખ વિધિવત્ કાર્યરત થઇ જશે. ભાજપના સતત ત્રીજી વખતના શાસનકાળના પદાધિકારીઓની પસંદગી થઇ જશે અને ખમાસા દાણાપીઠ ખાતે આવેલા મ્યુનિ. મુખ્યાલય સરદાર પટેલ ભવનના ત્રીજા અને ચોથ માળે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા સહિતના ઉચ્ચ હોદ્દેદારો તેમજ વિભિન્ન નીચલી કમિટીઓના ચેરમેન બિરાજતા થઇ જશે. ત્યાર બાદ વહીવટીતંત્ર નવા પદાધિરીઓને વિશ્વાસમાં લઇને ચીપકુ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપીને ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકવાનો પ્રયાસ કરશે.

પરંતુ મ્યુનિ. કમિશનર ડી. થારાએ ભ્રષ્ટ અધિકારીઓ પર અંકુશ મૂકવા ખાસ આદેશ બહાર પાડ્યો છે. ડી.થારાના આદેશના પગલે હવે જે તે કામગીરીનું ફાઇનલ બિલનું ચુકવણું આડેધડ કરી શકાશે નહીં. કમિશનરે ફાઇનલ બિલનું ચુકવણું કરતી સમયે સંબંધિત કામગીરીના ફોટા તંત્રની એપ ૩૧૧ પર અપલોડ કરવાની સખત તાકીદ જે તે અધિકારીને કરી છે.

જો સંબંધિત કામગીરીના ફોટા અપલોડ નહીં કર્યા હોય તો પેમેન્ટને અટકાવી દેવાશે તેમજ સંબંધિત અધિકારી વિરુદ્ધ કાર્યવાહી પણ કરાશે. જોકે અત્યારે તો મ્યુનિ. તંત્રના ભ્રષ્ટ અધિકારીઓમાં ડી.થારાના આદેશથી ફફડાટ ફેલાઇ ગયો છે. કોર્પોરેશનમાં દર મહિને રૂ. ચારથી પાંચ કરોડના તો મેન્ટેનન્સનાં કામો થાય છે.

પરિણામે રોજબરોજના રૂટિન કામોના પેમેન્ટની ચુકવણીમાં પણ જે તે ભ્રષ્ટ અધિકારી પોતાના વહાલા-દવલા કોન્ટ્રાક્ટરની તરફેણમાં અભિપ્રાય મૂકીને પ્રજાની તિજોરી પર ‘વ્હાઇટ કોલર’ લૂંટ ચલાવતા આવ્યા છે, જેમાં હવે આંશિક નિયંત્રણ મુકાશે તેવી મ્યુનિ. વર્તુળોમાં ચર્ચા ઊઠી છે.

You might also like