હેમલતા તિવારીઃ ‘સ્વરાધાર’નો આધાર

મે ૨૦૧૦ની એક ઢળતી સાંજ. માયાનગરી મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પર એક વીસેક વર્ષની યુવતી મહારાષ્ટ્ર સરકાર દ્વારા આયોજિત એક સંગીત સમારોહમાં હાજરી આપવા ઉતાવળી બની છે. સ્ટેશન પર ભીડનો પાર નથી. ગાડીઓના ઍનાઉન્સમેન્ટ, મુસાફરોની ધક્કામુક્કી, રાગડા તાણતા ફેરિયા, ચાવાળા ‘છોટુ’ના દેકારા, ગાડીઓની વ્હીસલ વગેરે ધમાલ વચ્ચે પણ એક સૂરીલો અવાજ તેના કાને પડ્યો અને તેના પગ ઉતાવળ છતાં થોભી જવા મજબૂર બન્યા. બોલિવૂડની ફિલ્મોના કોઈ પાર્શ્વગાયકને પણ ટક્કર મારે તેવા એ અવાજનું કેન્દ્રબિંદુ શોધવા તેણે આમતેમ નજર દોડાવી. પણ મુસાફરોની ભીડ વચ્ચે તેને કશાં સગડ મળ્યાં નહીં. ચોતરફ નજર દોડાવતા થોડે દૂર તેને કેટલાક લોકો ટોળે વળીને ઊભેલા દેખાયા. અવાજની દિશા પણ એ તરફ હોવાનું લાગતા તે અનાયાસે જ એ બાજુ વળી નજીક પહોંચી,ટોળાં વચ્ચેથી જગ્યા કરીને તેણે જોયું તો બે પ્રજ્ઞાચક્ષુ ફૂટપાથ પર બેસીને ગાઈ રહ્યા હતા. એક હાર્મોનિયમ પર સંગત આપી રહ્યો હતો બીજો લાગણીશીલ શબ્દોમાં જીવનનો મર્મ સમજાવતું ભજન લલકારી રહ્યો હતો. સુરીલા આ વાતાવરણ વચ્ચે અચાનક ચર્ચગેટ તરફ જતી ટ્રેન આવી ગઈ હોવાની જાહેરાત થઈ અને ટોળું ઉતાવળે રૂપિયા પાંચ-દસની નોટ પેલા ભિખારીઓએ પાથરેલી ચાદરમાં ફેંકીને ટ્રેન તરફ દોડી ગયું. પેલી યુવતી પણ ટોળાંને અનુસરીને ટ્રેનમાં ચડી ગઈ. નિયત સમયે સરકારી સંગીત કાર્યક્રમમાં પહોંચી ગઈ.

કાર્યક્રમ શરૂ થયો અને શરૂઆતમાં જ બે કલાકારોએ સ્ટેજ પર આવીને એ જ ગીત ગાવું શરૂ કર્યું જે પેલા પ્રજ્ઞાચક્ષુઓ ભીખ માગવા માટે ગાતાં હતા. મનોમન તેણે સ્ટેજ પરના કલાકારોની સરખામણી એ અંધજનો સાથે કરી જોઈ. સંગીતની થોડીઘણી જાણકારી હોવાથી સરખામણીમાં તેને અંધજનો ચડિયાતા લાગ્યા. કાર્યક્રમમાં પછી તો બોલિવૂડના જાણીતા કલાકારોએ રજૂઆત કરી પણ તેનું મન લાગ્યું નહીં. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેનું મન સતત સ્ટેજ પરના આર્ટિસ્ટની સરખામણી પેલા ભિખારીઓ સાથે કરતું રહ્યું. તે વિચારવા લાગી કે અહીં જે કલાકારો ગાઈ રહ્યા છે તેની લોકો તાળીઓ પાડીને વાહવાહી કરી રહ્યા છે. જ્યારે ટ્રેનના પ્લેટફોર્મ પાસે બેસીને આજીજી સાથે ગાઈને ભીખ માગતા એ અંધ કલાકારો તરફ લોકો દયાભાવ અને તુચ્છ નજરે જુએ છે. એ બંને પણ કલાકાર હતા છતાં લોકોનો તેમના તરફનો દૃષ્ટિકોણ ભિન્ન હતો. તે વિચારવા લાગી કે જો સ્ટેજ પર બેસીને સારાં કપડાં પહેરીને કોઈ કલાકાર પર્ફોર્મન્સ આપે છે તો આપણે તેને આદર આપીએ છીએ. આપણા માટે તે ખાસ બની જાય છે. સામે એટલો જ સારો અવાજ ધરાવતી કોઈ વ્યક્તિ રેલવે પ્લેટફોર્મ પર બેસીને ગાય છે જેનાં કપડાં વ્યવસ્થિત નથી તો લોકો તેની સામે બે પાંચ રૂપિયા ફેંકીને ચાલ્યા જાય છે. લાંબી ગડમથલને અંતે તેને સમજાયું કે સવાલ લોકોનો દૃષ્ટિકોણ બદલવાનો છે અને એ માટે તેણે બીડું ઉઠાવી લીધું.

આજે આ ઘટનાને સાત વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. પેલી યુવતીએ આ સમયગાળા દરમિયાન જે કર્યું તે ન ભૂતો ન ભવિષ્યતિ સાબિત થયું છે, કારણ કે આ પછી તેણે ટ્રેનોમાં ગાઈને ભીખ માગતા ૪૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ, અપંગ ભિખારીઓનું ‘સ્વરાધાર’ નામે એક મ્યુઝિક ગ્રૂપ બનાવ્યું છે. જે આજે પ્રોફેશનલ આર્ટિસ્ટની જેમ પર્ફોર્મન્સ આપી રહ્યું છે. એક સમયે ફૂટપાથ પર ગાતા ભિખારીઓ કે જેમની કોઈ ઓળખ નહોતી તેઓ હેમલતાએ બનાવેલા સ્વરાધાર ગ્રૂપમાં જોડાઈને આજે નામ અને દામ કમાઈ રહ્યાં છે. મુંબઈમાં આ ગ્રૂપ લગ્ન, રિસેપ્શન, બર્થ ડે પાર્ટી, સામાજિક મેળાવડા જેવા દરેક પ્રસંગને અનુરૂપ પર્ફોર્મન્સ આપે છે. સ્વરાધારની આ સફળતાથી પ્રભાવિત થઈને ૨૦૧૫માં એક ખાનગી મનોરંજન ચેનલ પર પ્રસારિત થતા અમિતાભ બચ્ચનના શૉ ‘જિના ઈસી કા નામ હૈ ‘માં આ ગ્રૂપને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ જ કાર્યક્રમના પ્રથમ એપિસોડમાં આ અંધ આર્ટિસ્ટોએ બોલિવૂડના જાણીતા સંગીતકાર સચીન-જિગર સાથે પર્ફોર્મન્સ કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ૨૦૧૦માં બનેલી એક સામાન્ય ઘટનામાંથી શરૂ થયેલી સ્વરાધાર સંસ્થા આજે

વટવૃક્ષ બની ચૂકી છે. હેમલતાના નેજા હેઠળ લાઈવ પર્ફોર્મન્સ આપીને ભિખારીઓ સારી એવી કમાણી કરતા થયા છે. આ ઉમદા સેવાકાર્યને ધ્યાને લઈને હાલમાં જ તેને મહારાષ્ટ્રનો ૨૦૧૬ – ૧૭નો યશવંતરાવ ચવ્હાણ આઉટ સ્ટેન્ડિંગ અચિવમેન્ટ ઍવોર્ડ તથા એચઆર ક્લબ વુમન ગેઇમ ચેન્જર ઍવોર્ડથી નવાજવામાં આવી છે.

આ પ્રકારનું ગ્રૂપ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તે જણાવતાં હેમલતા કહે છે, “એ વખતે મેં જોયું કે આવડત, સંગીતની સૂઝ હોવા છતાં ભિખારી હોવાના કારણે આ અંધ કલાકારોને લોકો દયાભાવથી જોતાં હતા. કેટલાક લોકો તો તેમને તુચ્છ ગણીને હસી કાઢતા અથવા બે પાંચ રૂપિયા ફેંકીને ચાલ્યા જતા. આ જ લોકો કોઈ સંગીતના જલસામાં સ્ટેજ પર વ્યવસ્થિત પોશાકમાં સજ્જ થઈને પર્ફોર્મન્સ આપતા કલાકારને ભારે માન આપતા હોય છે. કેટલીક વાર તો સ્ટેજ પર ગાતાં કલાકાર કરતાં પણ ટ્રેનમાં ગાતાં ભિખારીઓનો અવાજ અને સંગીતની સૂઝ ચડિયાતી હોય છે. છતાં તેમને તેમની કલાના કદરદાનો મળતા હોતા નથી. આથી મેં વિચાર્યું કે આવો સારો અવાજ ધરાવતા અથવા સારું વગાડી શકતા ભિખારીઓનું એક મ્યુઝિક ગ્રૂપ બનાવીએ તો તેમની જિંદગી સારી રીતે જીવી શકે.

સામાન્ય રીતે આપણે ભિખારીઓ પ્રત્યે સંવેદના બતાવીએ છીએ ખરા, પણ તે અમુક હદથી વધારે નથી હોતી. બહુ બહુ તો આપણે તેને પાંચ-દસ રૂપિયા આપીએ છીએ અથવા તે ભૂખ લાગ્યાનું કહેતો હોય તો તેને નાસ્તો અથવા જમવાની વ્યવસ્થા કરી આપીને સંતોષ માની લેતા હોઈએ છીએ, પરંતુ હેમલતા આ મામલે આપણા જેવા કેટલાય લોકોથી વધારે સંવેદનશીલ નીકળી. તેણે આવી કોઈ મદદ કરીને સંતોષ માનવાને બદલે કશુંક નક્કર કરવાનું વિચાર્યું અને તેમાં તે સફળ પણ થઈ. જોકે તેના માટે પણ શરૂઆતનો સમય ભારે કપરો હતો.

એ દિવસો યાદ કરતાં હેમલતા કહે છે, “૨૦૧૦માં આવેલો આઈડિયા અમલમાં મૂકવા માટે શરૂઆતમાં કોઈનો સહકાર નહોતો. આમ ને આમ બે વર્ષ વીતી ગયાં. લોકોને કુતૂહલ એ વાતનું થતું કે ભિખારીઓ સાથે આ છોકરી શું કરી રહી હશે ? કેટલાક લોકો સમજાવતા પણ ખરા,તમારી ઉંમર હજુ નાની છે, છોકરી છો, આવું કામ સારું નહીં. શરૂઆતના એ દિવસોમાં હું મારા ચાર મિત્રો સાથે લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતી. અમે લોકો ટ્રેનમાં ગીતો ગાતાં ભિખારીઓને શોધતા. જેમાંથી સારો અવાજ ધરાવતા કે વાજિંત્ર વગાડી શકતા ભિખારીઓને શોધી કાઢ્યા. તેમને સમજાવવું શરૂ કર્યું કે કેવી રીતે તેઓ પોતાની જિંદગીને વધુ બહેતર બનાવી શકે છે. ઘણો સમય આવા કલાકારોને મનાવવામાં ગયો પણ છેવટે આવા ૧૦ લોકો માની ગયા ને તેમનાથી ‘સ્વરાધાર’ની શરૂઆત થઈ. તેઓ એક પછી એક સફળ કાર્યક્રમો આપતા ગયા. જે લોકો શરૂઆતમાં ટીકા કરતા હતા તેઓ આજે મારી કામગીરીને બિરદાવી રહ્યા છે. આગળ અમે રાજ્ય સરકારના સહકારથી ભિખારીઓ કે અંધ વ્યક્તિઓ પ્રત્યેનો લોકોનો દૃષ્ટિકોણ બદલવા કાર્યક્રમ કરવાનું વિચારી રહ્યા છીએ. હવે આ લોકો દર અઠવાડિયે મળીને રિયાઝ કરે છે. વચ્ચે’ડબ્બાજામ’ નામની એક એક્ટિવિટી પણ કરે છે. જેમાં ‘સ્વરાધાર’ના ત્રણ સભ્યો અને એક કલાકાર મળીને ટ્રેનોમાં મુસાફરો વચ્ચે જઈને ગીતો ગાય છે, તેમની સાથે વાતચીત કરીને સમજાવે છે કે તેઓ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે. સાથે આ કલાકારો સાથે શા માટે યોગ્ય વ્યવહાર કરવો જોઈએ તે અંગે પણ ચર્ચા કરીએ છીએ. મોટાભાગના કલાકારો મુંબઈ નજીકના વાંગણી ગામે રહે છે. કેટલાક મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરના બોઈસર ગામના છે.

સ્વરાધારની આ પ્રવૃત્તિથી આજે આ કલાકારોની જિંદગીમાં ઘણો બદલાવ આવ્યો છે. પરિવારના સભ્યોનો તેમની તરફનો દૃષ્ટિકોણ પણ બદલાયો છે. ઈજ્જત વધી છે, પરિવારજનોનું વર્તન પણ બદલાયું છે. એક સમયે જે પ્રજ્ઞાચક્ષુઓ પરિવારને બોજ સમાન લાગતા હતા તે હવે પોતાના પગ પર ઊભા રહેતા થયા હોવાથી પરિવાર તેમને મહત્ત્વ આપતો થયો છે. એ જ રીતે અગાઉ જે લોકો તેમને તુચ્છ સમજતા હતા તે આજે સામેથી તેમની સાથે વાત કરવા પ્રયત્ન કરે છે. ચેતન પાટીલ નામના એક આર્ટિસ્ટની જિંદગી ‘સ્વરાધાર’ના સભ્ય બન્યા બાદ એકદમ બદલાઈ ગઈ છે. અગાઉ તેઓ રેલવે પ્લેટફોર્મ પર ભીખ માગતા દેખાય કે તરત પોલીસ તેમને પકડીને જેલમાં પૂરી દેતી. પણ અમિતાભ બચ્ચનના શૉમાં કાર્યક્રમ આપ્યા બાદ પોલીસ જવાનો તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરે છે. આ જ પોલીસ એક સમયે તેમને મારતી-ધમકાવતી. હવે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. પોલીસ જવાનોનો તેમના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે. તેમને આદર અને સન્માનની નજરે જોતા થયા છે.

આજે ‘સ્વરાધાર’ના અનેક સભ્યો ટ્રેનોમાં ગાય છે પણ હવે તેમની ગાવાની રીતમાં પણ બદલાવ આવ્યો છે. પહેલાં તેઓ ભીખ માગવાના ઉદ્દેશથી ગાતા હતા. તેમને લાગતું કે તેઓ લાચાર છે અને તેમની પૈસાની જરૂરિયાત ફક્ત દયામણું મોં કરીને ગાવાથી જ પૂરી થઈ શકે તેમ છે. ‘સ્વરાધારે’ આ માન્યતામાં જડમૂળથી પરિવર્તન આણ્યું છે. હવે આ લોકો એક કલાકારની રીતે જ ટ્રેનમાં ગાયન રજૂ છે. કપડાંથી કોઈ એમ ન માની બેસે કે તેઓ નિરાધાર છે તે બાબતે પણ તેઓ સંપૂર્ણ સભાન રહે છે. આજે આ ગ્રૂપમાં ૪૦ જેટલા અંધ અને અપંગ આર્ટિસ્ટો છે. આ સિવાય મુંબઈ આસપાસની ટ્રેનોમાં ભીખ માગતા બીજા ૨૦૦ જેટલા કલાકારો તેમના સંપર્કમાં છે. હવે તો ‘સ્વરાધાર’નું પોતાનું ફેસબુક પેજ પણ છે. જ્યાંથી અનેક લોકો તેમની કામગીરીથી વાકેફ થાય છે. કેટલાક લોકો ફેસબુક પર જ કાર્યક્રમ આપવા માટે સંપર્ક કરે છે. આ ગ્રૂપ મહિનામાં દસ જેટલા કાર્યક્રમો કરે છે. હાલ જ્યારે વિશ્વ મહિલા દિન નજીકમાં છે ત્યારે કહેવું પડે કે હેમલતા તિવારી જેવી યુવતીઓ જ આ દિવસની ઉજવણીને સાર્થક કરે છે. મહિલાની પ્રતિભાની અવગણનાના તો અનેક કિસ્સાઓ આપણે સાંભળતા આવ્યા છીએ પણ હેમલતા જેવું અપવાદરૂપ વ્યક્તિત્વ બહુ ઓછું જોવા મળે છે. આશા રાખીએ કે આગામી દિવસોમાં હેમલતા તિવારી જેવા અપવાદો અપવાદ મટીને બહુમતીમાં આવે.

http://sambhaavnews.com/

You might also like