વુમન્સ વર્લ્ડકપઃ ઈંગ્લેન્ડે ૩૭૭ રન ફટકારી પાક.ને ૧૦૭ રને હરાવ્યું

લંડનઃ નતાલી સિવરે ફટકારેલા ૯૨ બોલમાં ૧૩૭ રન અને કેપ્ટન હિથર નાઇટની પણ સદીના કારણે ગઈ કાલે વરસાદના વિઘ્નવાળી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે લેસ્ટરશાયરમાં રમાયેલી મહિલા વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનને ડક્વર્થ-લૂઇસ પદ્ધતિ મુજબ ૧૦૭ રને હરાવી દીધું હતું. ભારત સામેની ઉદ્ઘાટન મેચમાં પરાજય બાદ ગઈ કાલે પોતાની બીજી મેચમાં ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે સાત વિકેટે ૩૭૭ રનનો પહાડ જેવડો સ્કોર ખડક્યો હતો, જે તેમનો વર્લ્ડકપમાં સર્વોચ્ચ સ્કોર છે તેમજ ઓસ્ટ્રેલિયાએ ૧૯૯૭માં ડેન્માર્ક સામે નોંધાવેલા ત્રણ વિકેટે ૪૧૨ રન બાદ બીજા ક્રમાંકનો ટૂર્નામેન્ટનો સ્કોર છે.

પાકિસ્તાને ટોસ જીતીને ઈંગ્લેન્ડને પહેલાં બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડે પોતાના ઓપનરની વિકેટો સાવ સસ્તામાં ગુમાવી દીધી હતી, પરંતુ ત્યાર બાદ ત્રીજી વિકેટ માટે નતાલી સિવર અને હિથર નાઇટ વચ્ચે ત્રીજી વિકેટ માટે ૨૧૩ રનની ભાગીદારી નોંધાઈ હતી.

ઈંગ્લેન્ડે ફટકારેલા ૩૭૭ રનના જવાબમાં પાકિસ્તાને ત્રણ વિકેટે ૧૦૭ રન બનાવ્યા હતા. ત્યાર બાદ વરસાદના કારણે મેચ રમાઈ નહોતી. ડક્વર્થ-લૂઇસ મુજબ પાકિસ્તાને ૨૯.૨ ઓવરમાં ૨૧૪ રન કરવાના હતા, પરંતુ પાકિસ્તાને ૧૦૭ રન જ કરતા તેનો ૧૦૭ રને પરાજય થયો હતો. આ વર્લ્ડકપમાં પાકિસ્તાનનો આ બીજો પરાજય છે.
http://sambhaavnews.com/

You might also like