મહિલાને બેભાન કરી બે શખસોએ સવા મહિનાનાં બાળકનું અપહરણ કર્યું

અમદાવાદ: શહેરનાં શાહીબાગ વિસ્તારના ગિરધરનગર ખાતેનાં છાપરામાં રહેતી એક મહિલા તેનાં સવા મહિનાનાં બાળકને લઈ બપોરનાં સમયે રિક્ષામાં માતાજીનાં છઠ્ઠનાં દોરાને રિવરફ્રન્ટ ખાતે નદીમાં પધરાવા જતી હતી ત્યારે રિક્ષામાં બેઠેલા બે શખસોએ ચપ્પુ બતાવી મહિલાને છોકરો આપી દે કહી ધમકી આપી રૂમાલ સૂંઘાડી મહિલાને બેભાન કરી છોકરાને લઈ ફરાર થઈ ગયાં હતાં. આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસને મહિલાની વાત ગળે ન ઊતરી હોઈ કંઈક છુપાવી રહી હોવાની શંકા લાગી રહી છે.

ગિરધરનગર વિસ્તારમાં આવેલાં છાપરામાં હેતલબેન અમૃતભાઈ ચૌહાણ (ઉ.વ.૨૬) રહે છે. રવિવારે બપોરનાં સુમારે હેતલબેન પોતાનાં સવા મહિનાનાં પુત્રને લઈ અને માતાજીનો છઠ્ઠનો દોરો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં પધરાવવા માટે ઑટોરિક્ષામાં ગિરધરનગરથી બેઠી હતી. દરમ્યાનમાં ઑટોરિક્ષામાં બેઠેલા બે શખસોએ હેતલબેનને ચપ્પુ બતાવી અને છોકરો આપી દે જણાવ્યું હતું. બાદમાં આરોપી બંન્ને શખસોએ હેતલબેનને રૂમાલ સૂંઘાડી દેતાં તેઓ બેહોશ થઈ ગયાં હતાં.

બેહોશ થયા બાદ તેઓ ભાનમાં આવ્યાં ત્યારે તેઓનો સવા મહિનાનો પુત્ર જોડે ન જોવા મળતાં તેઓએ આ અંગે શાહીબાગ પોલીસને ચારેક કલાક બાદ જાણ કરી હતી. શાહીબાગ પીઆઈ જતીન પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ અંગે તપાસ ચાલુ છે. હાલ હેતલબેન સિવિલ હૉસ્પિટલમાં દાખલ છે. તેઓની પૂછપરછ ચાલુ છે. હેતલબેનની પોલીસને મોડી જાણ અને અમુક વાતો ગળે નથી ઊતરી રહી જેથી તેઓ કંઈક છુપાવી રહ્યાં હોવાની શંકા છે. હાલમાં પોલીસે રિક્ષા નંબર અને સીસીટીવી ફુકેજનાં આધારે તપાસ શરૂ કરી છે.

You might also like