અમદાવાદ: રિક્ષાચાલક અને ત્રણ અજાણી મહિલાઓએ રિક્ષામાં બેઠેલી એક મહિલા મુસાફરની નજર ચૂકવી રૂપિયા સવા લાખની કિંમતનાં સોનાનાં ઘરેણાંની તફડંચી કરતાં ઈસનપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અા અંગેની વિગત એવી છે કે ઘોડાસર વિસ્તારમાં અાવેલી ચિત્રકુટધામ સોસાયટીમાં રહેતી મીનાક્ષીબહેન હરીશભાઈ પવાર નામની મહિલા મણિનગર રેલવે સ્ટેશન નજીક રિક્ષામાં બેસી ઈસનપુર તરફ અાવી રહી હતી ત્યારે અાવકાર હોલ નજીક રિક્ષાચાલક અને રિક્ષામાં અગાઉથી બેઠેલી ત્રણ મહિલાઓએ મીનાક્ષીબહેન સાથે વાતચીતનો દોર લંબાવી તેની નજર ચૂકવી બેગમાંથી સોનાની બંગડી, સોનાનું પેન્ડલ મળી રૂપિયા સવા લાખની કિંમતના ઘરેણાં તફડાવી લીધા હતા. ત્યારબાદ મીનાક્ષીબહેનને તેના ઘર નજીક ઉતારી રિક્ષાચાલક તેની મહિલા સાગરીતો સાથે નાસી છૂટ્યો હતો.