મહિલાએ નદીમાં છલાંગ લગાવી ને ફાયર બ્રિગેડને ત્રણ લાશ મળી

અમદાવાદ: શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી હવે સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે. દરરોજ સરેરાશ એક વ્યકિત સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરે છે. આજે વહેલી સવારે પણ સરદારબ્રિજ પરથી એક મહિલાએ નદીમાં છલાંગ લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે વહેલી સવારે મહિલાને બચાવવા માટે નદીમાં શોધખોળ શરૂ કરી હતી, જેમાં તેમને છલાંગ લગાવનાર મહિલાની લાશ તો મળી પરંતુ સાથોસાથ એક પ્રેમી યુગલની લાશ પણ કોવાયેલી હાલતમાં મળી આવી હતી.

જમાલપુર ફુલબજાર પાસે આવેલા સરદારબ્રિજ પરથી આજે વહેલી સવારે એક મહિલાએ નદીમાં છલાંગ લગાવી હોવાના સમાચાર ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમને મળ્યા હતા. રેસ્ક્યુ ટીમે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને મહિલાની શોધખોળ શરૂ કરી હતી. રેસ્ક્યુ ટીમની નદીમાં શોધખોળ બાદ મહિલાની લાશ મળી આવી હતી. જોકે તે સમયે વધુ બે લાશ પણ રેસ્ક્યુ ટીમે બહાર કાઢી હતી. અંદાજિત બે ત્રણ દિવસ પહેલાં 30 થી 35 વર્ષિય યુવક અને યુવતીએ નદીમાંથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમને નદીમાં એક મહિલાએ છલાંગ લગાવી હોવાનો કોલ મળ્યો હતો. જોકે તેમને એક નહી પરંતુ ત્રણ લાશ બહાર કાઢી છે.

મરનાર ત્રણેય જણા કોણ છે ક્યાંના રહેવાસી તે હજુ સુધી જાણી શકાયું નથી ત્યારે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીમાં આત્મહત્યાની ઘટનાઓને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા તમામ બ્રિજ પર જાળી લગાવવાની કામગીરી શરૂ કરી છે. ગાંધીબ્રિજ, નહેરુબ્રિજ, એલિસબ્રિજ પર જાળી લગાવી દેવાઈ છે. ત્યારે અન્ય બ્રિજ પર કામગીરી ચાલુ છે.

You might also like