મહિલા હોકી વિશ્વકપઃ ઈટાલીને ૩-૦થી હરાવીને ભારત ક્વાર્ટર ફાઇનલમાં

લંડનઃ ભારતે ઇટાલીને એકતરફી મુકાબલામાં ૩-૦થી હરાવીને મહિલા હોકી વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે ભારત ક્વાર્ટર ફાઇનલમાં આયર્લેન્ડ સામે ટકરાશે. ભારત તરફથી લાલરેમસિયામી, નેહા ગોયલ અને વંદના કટારિયાએ ગોલ કર્યા હતા.

વિશ્વ રેન્કિંગમાં ૧૦મા ક્રમની ભારતીય ટીમે પ્રથમ ક્વાર્ટરમાં જ સરસાઈ હાંસલ કરી લીધી હતી. નવમી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, જેના પર લાલરેમસિયામીએ ગોલ કરીને ૧-૦ની સરસાઈ ભારતને અપાવી દીધી હતી. ૧૯મી મિનિટે ભારતને ગોલ કરવાની વધુ એક તક મળી હતી, પરંતુ ઉદિતાના પ્રયાસને ઇટાલીની ગોલકીપર મેકફેરેને નિષ્ફળ બનાવી દીધો હતો.

મેચની ૩૫મી મિનિટે ભારતને રેફરલ દ્વારા મેચનો બીજો પેનલ્ટી કોર્નર મળ્યો. દીપિકા આ કોર્નરનો ફાયદો ઉઠાવવામાં સફળ નહોતી રહી. ૪૫મી મિનિટે ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો, જેના પર નેહાએ ગોલ કરીને ટીમને ૨-૦થી આગળ કરી દીધી હતી.

મેચ પૂરી થવાને પાંચ મિનિટનો સમય બાકી હતો ત્યારે ગુર‌િજતકૌરના પાસ પર વંદનાએ ગોલ કરીને ભારતને ૩-૦ની નિર્ણાયક સરસાઈ અપાવી દીધી હતી.

You might also like