દિલ્હી દરવાજા નજીક મોડી રાત્રે ઘરે પરત ફરતી મહિલાના પર્સની લૂંટ

અમદાવાદ: શહેરમાં હવે લૂંટારુઓએ મોડી રાત્રે ઘરે પરત ફરતા લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. મોડી રાત્રે પુત્ર અને પુત્રના મિત્ર સાથે ઘરે પરત ફરી રહેલી મહિલાના હાથમાંથી બે લૂંટારુઓ રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન ભરેલું પર્સ લૂંટી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર મહિલાના પુત્ર અને તેના મિત્રએ લૂંટારુઓનો સ્ટેડિયમ સુધી પીછો પણ કર્યો હતો, પરંતુ બંને લૂંટારુઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. માધવપુરા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ સિદ્ધપુર ખાતે આવેલી મોનીપાર્ક સોસાયટીમાં રહેતા અને હાલ નારણપુરા ખાતે આવેલા વસાવીલા ફ્લેટમાં રહેતાં હિનાબહેન જયેશભાઈ પટેલ (ઉં.વ. ૪૭) ગઈ કાલે રાત્રે ૧૨.૧૫ વાગ્યાની આસપાસ એક્ટિવા ઉપર તેમના પુત્ર શ્રેયાંસ અને શ્રેયાંસના મિત્ર સાથે મામાના ઘરેથી નારણપુરા ખાતે પરત ફરી રહ્યા હતા ત્યારે દિલ્હી દરવાજા બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક પહોંચ્યા ત્યારે એકસેસ સ્કૂટર પર આવેલા ૨૦થી ૨૨ વર્ષના બે યુવકોમાંથી પાછળ બેઠેલા એક યુવક હિનાબહેનના ખભે ભરાવેલું ખર્ચ ખેંચી ફરાર થઈ ગયાે હતાે. પર્સમાં રોકડા રૂ. ૨૦,૦૦૦ અને મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૬,૦૦૦ મળી કુલ રૂ. ૩૬,૦૦૦ની મત્તા હતી.

પર્સની લૂંટ થતાં શ્રેયાંસ અને તેના મિત્રએ બંને લૂંટારુઓનો સ્ટેડિયમ સુધી પીછો પણ કર્યો હતો, પરંતુ લૂંટારુઓ નાસી ગયા હતા. હાલમાં હિનાબહેનની ફરિયાદના આધારે પોલીસે એકસેસ સ્કૂટરનો નંબર મેળવી લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે.

You might also like