અહીં મહિલાઅો હોળી રમે છે, પુરુષો ગામની બહાર ચોકીદારી કરે છે

અજમેર: હોળીના તહેવારને હજુ એક દિવસ બાકી છે, પરંતુ રાજસ્થાનના કલ્યાણીપુરા ગામની મહિલાઅોની તૈયારીઅો શરૂ થઈ ચૂકી છે. ખાસ કરીને નવવિવાહિત અને એવી મહિલાઅો, જેમણે તાજેતરમાં જ બાળકને જન્મ અાપ્યો છે અને જે થોડા તણાવમાં છે. તેઅો ગામની મહિલાઅોના ચહેરા પર રંગ લગાવીને હોળી ઊજવે છે. અા ગામ પોતાના ખાસ રિવાજના કારણે અનોખું માનવામાં અાવે છે.

અા ગામની પરંપરા મહિલાઅોને અરસપરસ હોળી રમવાનો વિશેષ અધિકાર અાપે છે તો બીજી તરફ પુરુષો ગામની બહાર ઊભા રહીને ચોકી કરે છે, જેથી કોઈ પણ મહિલાઅોની હોળી રમવાની બાબતમાં ખલેલ ન પાડે.  અા ગામ અજમેર શહેર પાસે અાવેલું છે. અહીંના એક ગ્રામીણ સુંદરસિંહ કહે છે કે અહીં પુરુષો પણ હોળી રમે છે, પરંતુ તેઅો માત્ર બપોર સુધી જ ગામની અંદર હોય છે. પુરુષો, યુવાનો અને બાળકો તમામ હોળીના દિવસે બપોર પછી ગામની બહાર નીકળી જાય છે અને મહિલાઅોની ટોળી અરસપરસ રંગ છાંટીને ખૂલીને હોળી રમે છે.

કોઈને પણ અા દિવસે ગામમાં ઘૂસવાની પરવાનગી હોતી નથી. ગામ તરફ અાવતા તમામ રસ્તાઅો કલ્યાણીપુરાના પુરુષો બંધ કરી દે છે અને ત્યાં ચોકી કરે છે. અેવું નથી કે અા પરંપરા કોઈ જાતિ સાથે જોડાયેલી છે. હોળીની અા અનોખી ઉજવણીમાં તમામ જાતિઅોની મહિલાઅો સામેલ થાય છે. સુંદર કહે છે કે ગામમાં અા પરંપરા ઘણા સમયથી છે. ત્યાં સુધી કે ગ્રામીણોને ખુદ પણ ખબર નથી કે અા પ્રથા ક્યારેય શરૂ થઈ હતી. જ્યારે મહિલાઅો હોળી રમવાનું પૂરું કરે છે ત્યારે તેઅો તાળીઅો વગાડીને ગામની બહાર ચોકી કરી રહેલા પુરુષોને સંકેત અાપે છે અને ત્યારબાદ પુરુષો પાછા ગામમાં અાવે છે.

You might also like