મહિલા દર્દીના મોત બદલ નરોડાના ડોક્ટર સામે સાપરાધ મનુષ્ય વધની ફરિયાદ દાખલ કરાઈ

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં આવેલ દીપ મેટર‌િનટી એન્ડ નર્સિંગ હોસ્પિટલમાં ર૦૧પમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીના મોત મામલે બે વર્ષ પછી ડોક્ટર અને ત્રણ મહિલા કમ્પાઉન્ડર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઇ છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એન.એસ. સિદ્દીકીએ ફરિયાદીની ફરિયાદના આધારે સાપરાધ મનુષ્યવધની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. નરોડાની સેન્ટ મેરી સ્કૂલ પાસે આવેલ અમૃતપાર્ક સોસાયટીમાં રહેતા સંદીપકુમાર અરવિંદભાઇ પટેલની ફરિયાદના આધારે મેટ્રોપોલિટન કોર્ટના મેજિસ્ટ્રેટે ગાયનેકોલોજિસ્ટ ડો. કિશોર એસ ચાંગલાણી સહિત ચાર વ્યકિતઓ વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે અરવિંદભાઇ પટેલનાં લગ્ન ર૯-૧૧-ર૦૧રના રોજ બીજલબહેન સાથે થયાં હતાં. બીજલબહેનને ગર્ભ રહેતાં તા.ર૩-૧-ર૦૧૪ના રોજ નરોડા બેઠક પાસે આવેલ પુષ્કર એવન્યૂમાં આવેલ દીપ મેટર‌િનટી એન્ડ ન‌િર્સંગ હોસ્પિટલમાં ડો. કિશોર ચાંગલાણી પાસે સારવાર શરૂ કરાઇ હતી.

તારીખ 5-10-2014ના રોજ બીજલબહેનને પ્રસૂતિની પીડા ઉપડતાં દીપ મેટર‌િનટી એન્ડ ન‌િર્સંગ હોસ્પિટલમાં સવારે સાડા સાતેક વાગ્યાની આસપાસ દાખલ કરી હતી. ડો. કિશોર ચાંગલાણીએ બીજલબહેનનું સિઝેરિયન કરવાનું કહ્યું હતું. સવારે 9.40ની આસપાસ બીજલબહેને એક બાળકને જન્મ આપ્યો હતો. અચાનક બપોરે ત્રણેક વાગ્યા પછી બીજલબહેનની ત‌િબયત લથડતાં પરિવારજનોએ હોસ્પિટલમાં કામ કરતાં કમ્પાઉન્ડર કલ્પનાબહેન, ભાવનાબહેન અને નીરુબહેનને જાણ કરી હતી અને ડોક્ટરને બોલાવવા કહ્યું હતું. ડોક્ટર સમયસર હોસ્પિટલમાં નહીં આવતાં ત્રણેય કમ્પાઉન્ડર મહિલાઓને ત્રણ અલગ અલગ ઇન્જેક્શન આપવાની સૂચના આપી હતી.

ત્રણેય કમ્પાઉન્ડર મહિલાઓએ બીજલબહેનને ત્રણ ઇન્જેક્શન આપ્યાં હતાં. દરમિયાનમાં બીજલબહેનની તબિયત વધુ લથડી હતી. પરિવારજનોએ ડો.કિશોરને ફોન કર્યો હતો. આ સમયે ડો. કિશોરે એકાદ કલાક સુધી હોસ્પિટલમાં આવી નહીં શકે તેવું ફોન પર જણાવ્યું હતું. રાતે 9 વાગ્યાની આસપાસ ડો.કિશોર હોસ્પિટલ પહોંચ્યા હતા અને બીજલબહેનના શરીરના પલ્સ બંધ થઇ ગયા હોવાનું કહીને આશીર્વાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. આશીર્વાદ હોસ્પિટલની દોઢેક કલાકની સારવાર બાદ બીજલબહેનનું મોત થયું હતું.

સમગ્ર મામલે બીજલબહેનના પતિ સંદીપકુમારે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જોકે પોલીસે કોઇ તપાસ નહીં કરતાં ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી, હાઇકોર્ટે તારીખ 31-7-2015ના રોજ સરદારનગર પોલીસને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. સરદારનગર પોલીસ તારીખ 31-9-2015ના રોજ હાઇકોર્ટમાં રિપોર્ટ ફાઇલ કર્યો હતો, જેમાં ડો.કિશોર ચાંગલાણી વિરુદ્ધમાં કોઇ ગુનો બનતો નથી તેવો રિપોર્ટ આપ્યો હતો. ત્યારબાદ તારીખ હાઇકોર્ટ જજ સોનિયાબહેન ગોકાણીની કોર્ટમાં સંદીપકુમારે પ‌િટિશન ફાઇલ કરી હતી.

જજ સોનિયાબહેન ગોકાણીએ તારીખ 1-9-2016ના રોજ ઓર્ડર કર્યો હતો કે ફરિયાદીએ કોર્ટમાં સીધી ફરિયાદ કરવી તથા કોર્ટે પોલીસ ઇન્સ્પેક્ટરે કરેલા રિપોર્ટથી પ્રભા‌િવત થયા વગર રિપોર્ટ કરવો. હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદની મેટ્રોપો‌િલટન કોર્ટ નંબર-17માં સંદીપકુમારે ડો. કિશોર ચાંગલાણી, કમ્પાઉન્ડર કલ્પનાબહેન, ભાવનાબહેન, નીરુબહેન વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદ કરી હતી. જે ફરિયાદને મેટ્રો મે‌િજસ્ટ્રેટે ગ્રાહ્ય રાખતાં ડોક્ટર સહિત 4 વ્યકિતઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદીને કોર્ટમાં પુરાવા તેમજ જુબાની આપવા હાજર રહેવાનો આદેશ કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like