યુવતીને છરીના ઘા ઝીંકનારને કલાકોમાં જામીન પર છોડી દીધો

અમદાવાદ: એલિસબ્રિજ પોલીસની ભૂમિકા વધુ એક વખત વિવાદમાં આવી છે અને આ વખતે તો હાઈકોર્ટે પોલીસની ભૂમિકા તપાસવા અંગે ડીસીપી ઝોન સેવનને આદેશ કર્યો છે. એલિસબ્રિજ વિસ્તારમાં જાન્યુઆરી, 2016માં એક યુવતી પર થયેલા જીવલેણ હુમલાની ફરિયાદની તપાસ કરવા મુદ્દે તેમજ આરોપી સામે હળવી કલમો લગાવવા મુદ્દે એલિસબ્રિજ પોલીસ ફરી વિવાદમાં આવી છે.

વેજલપુરમાં રહેતા દિલીપ રામજી બારૈયાનું તેના જ વિસ્તારમાં રહેતી નિર્મલા વલોદરા પર દિલ આવી ગયું હતું. નિર્મલાને પણ દિલીપ પસંદ હતો, પરંતુ દિલીપ લગ્ન માટે તેમજ અન્ય અઘટિત માગણીઓ કરતો હોવાથી નિર્મલાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ બાબતનો ખાર રાખીને દિલીપ બારૈયા 31 માર્ચ, 2016ના રોજ નિર્મલા એલિસબ્રિજ વિસ્તારમાં જ્યાં કામ કરતી હતી ત્યાં છરી સાથે ધસી ગયો હતો અને નિર્મલા પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. તેણે નિર્મલાને ગળા, પેટ અને જાંઘના ભાગે ઘા મારતાં નિર્મલા લોહીલોહાણ થઈ ગઈ હતી. જોકે જાહેર જનતાએ જાગરૂકતા દાખવીને દિલીપને ઝડપી લઈ એલિસબ્રિજ પોલીસના હવાલે કર્યો હતો. જેકે એલિસબ્રિજ પોલીસે દિલીપ પ્રત્યે કૂણું વલણ દાખવ્યું હતું અને તેને કોર્ટમાં રજૂ કર્યા વગર જ કલાકોમાં જામીન પર મુક્ત કરી દીધો હતો.

ઉપરાંત દિલીપ બારૈયા સામે કલમ 323 અને 324 હેઠળ માત્ર મારામારી કરવાની કલમો હેઠળ જ ગુનો નોંધ્યો હતો.
એલીસબ્રિજ પોલીસે દાખવેલી આ બેદરકારી બદલ યુવતીના પરિવારજનોએ હાઈકોર્ટ સમક્ષ અરજી કરી છે. આ અરજીમાં માગણી કરવામાં આવી છે કે નિર્મલા પર દિલીપે જીવલેણ હુમલો કર્યો હોવા છતાં તેની સામે કલમ 307 લગાવવામાં આવી નથી. તેથી આ ફરિયાદમાં કલમ 307નો ઉમેરો કરવામાં આવે. આ અરજી અંગે હાઈકોર્ટમાં સુનાવણી યોજાતા કોર્ટે ડીસીપી ઝોન સેવન વિધિ ચૌધરીને કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું હતું,જેના પગલે ડીસીપી હાજર થતાં કોર્ટે તેમને આ સમગ્ર ફરિયાદની ઊંડાણપૂર્વક તપાસ કરી કલમ ૩૦૭ લગાવી શકાય તેમ છે કે કેમ? તે તપાસવા કરવા આદેશ કર્યો છે.

ઉપરાંત કોર્ટે આ સમગ્ર તપાસમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના તપાસકર્તા અધિકારી તેમજ એલિસબ્રિજ પીઆઈની ભૂમિકા તપાસવા પણ ડીસીપીને આદેશ કર્યો છે. કોર્ટે વધુ સુનાવણી 16 માર્ચના રોજ મુકરર કરી છે. આ કેસમાં ફરિયાદી તરફે એડ્વોકેટ સમીરખાન રોકાયેલા છે.

You might also like