અમેરિકામાં ગુજરાતી મહિલા સામે ડિપોર્ટેશનનો ખતરો

ન્યૂયોર્ક : અમેરિકામાં ૨૫ વર્ષની ગુજરાતી મહિલાને ૧,૭૦,૦૦૦ ડોલરના ફોન ચીટિંગ કૌભાંડમાં તેની સંડોવણી બદલ ભારતમાં તત્કાળ પાછી મોકલી દેવામાં આવે તેવી શકયતા છે. ૩૨ રાજયોના લોકો પાસેથી પૈસા ઉઘરાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. હજી એક દિવસ અગાઉ જ તેને મની લોન્ડરિંગ મામલે ત્રણ વર્ષના પ્રોબેશનની જેલની સજા ફટકારવામાં આવી હતી. રનર તરીકે કામ કરતી નિકિતા પટેલ લોકો દ્વારા મોકલવામાં આવતા નાણાં ઉપાડવાનું કામ કરતી હતી.

તે લોકોને એમ કહીને મૂરખ બનાવતી હતી કે તેમનો ઇન્ટરનલ રેવન્યૂ સર્વિસ ટેકસ બાકી છે. તે આમાંથી મળતાં નાણાંનો અમુક હિસ્સો પોતાની પાસે રાખી લેતી હતી અને બાકીનો ભાગ ભારતમાં જયાંથી ફોન કોલ્સ કરાતા હતા ત્યાં મોકલી આપતી હતી. નિકિતાની આ કેસમાં ગત વર્ષે એક અન્ય રનર આકાશ એસ. પટેલ સાથે ધરપકડ થઇ હતી. શુક્રવારે સુપીરિયર કોર્ટના ન્યાયાધીશે મની લોન્ડરિંગના આરોપમાં ત્રણ વર્ષના પ્રોબેશન પર કારાવાસની સજા કરી હતી.

આ કૌભાંડમાં ૩૨ રાજયોના ૭૨ લોકો સામેલ હતા. ફેડરલ સરકારે તેના પર ડિપોર્ટેશન ડિટેઇનર મૂકી દીધું છે. જેના કારણે તે જેલમાં જ રહેશે. તે મની લોન્ડરિંગમાં દોષિત જાહેર થઇ હતી. આકાશને પણ પણ પ્રોબેશન પર કારાવાસની સજા ફટકારવામાં આવી છે અને ડિપોર્ટ કરી દેવાયો છે.

ગયા સપ્ટેમ્બર મહિનામાં આકાશ પટેલ નામના તેની માફક બનાવટી ટેકસ વસુલાત કરનારાની સાથે નિકિતા પટેલની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક સરકારી વકીલે અમેરિકામાંથી નિકિતાના ડિપોર્ટેશનની અરજી કોર્ટ સમક્ષ મુકી હોવાથી અત્યારે તેને જેલમાં રાખવામાં આવી છે.

You might also like