ભારતીય મહિલાઓનો પગાર પુરુષોની સરખામણીમાં ર૦ ટકા ઓછો હોય છે

નવી દિલ્હી, ગુરુવાર
ભારતમાં મહિલાઓનો પગાર પુરુષોની સરખામણીમાં ર૦ ટકા ઓછો છે. આ વાત તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં કહેવાઇ છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે વેતન ચૂકવતી વખતે કર્મચારી પુરુષ છે કે સ્ત્રી તે વાતને વધુ મહત્ત્વ અપાય છે. આ રિપોર્ટ મોન્સ્ટર સેલરી ઇન્ડેક્સ (એમએસઆઇ)ના નામથી આવ્યો છે.

એમએસઆઇ મુજબ એક અનુમાન છે કે પુરુષો દર કલાકે ર૩૧ રૂપિયા અને મહિલાઓ ૧૮૪.૮ રૂપિયા કમાઇ લે છે. મોન્સ્ટર ડોટકોમના સીઇઓ અભિ‌િજત મુખરજીએ કહ્યું કે આ ર૦ ટકાનો ગેપ ખરેખર ખૂબ જ મોટો છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું હતું કે ધીમે ધીમે આ અંતર ઘટી રહ્યું છે. ર૦૧૬માં આ અંતર ર૪.૮ ટકા હતું.

તે અનુસાર ર૦૧૭માં તેમાં પાંચ ટકા ઘટાડો થયો છે. મોન્સ્ટર ડોટકોમના આ સર્વેમાં પપ૦૦ મહિલાઓ અને પુરુષોને સામેલ કરાયા. આ સર્વેમાં સામેલ ૩૬ ટકા લોકોએ ભેદભાવની વાત માની અને કહ્યું કે આવું ન થવું જોઇએ. આ સર્વેમાં મોન્સ્ટર ડોટકોમે પેચેક ડોટઇન અને આઇઆઇએમ-અમદાવાદની મદદ લીધી હતી.

You might also like