તફડંચીના ગુનાઓમાં સંડોવાયેલી મહિલા ગેંગ ઝડપાઈઃ રૂ. ૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ: એકલ દોકલ વ્યક્તિ અને વેપારીની નજર ચૂકવી કિંમતની ચીજ વસ્તુઓની તફડંચી કરતી અાંતરરાજ્ય મહિલા ગેંગને રાજકોટના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે અાબાદ ઝડપી લઈ અમદાવાદ, ભાવનગર, જામનગર, કચ્છ અને વડોદરામાં બનેલા તફડંચીના અનેક ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે અા ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે ગેંગની એક મહિલા ભીખ માગવાને બહાને દુકાનમાં ઘૂસી વેપારી સાથે રકઝક શરૂ કરતી હતી. અા દરમિયાન ગેંગની અન્ય મહિલા દુકાન પર પહોંચી વેપારીની નજર ચૂકવી કાઉન્ટરમાંથી રોકડ રકમ અને કીમતી ચીજવસ્તુઓની તફડંચી કરી અાંખના પલકારામાં ફરાર થઈ જતી હતી.

દરમિયાનમાં રાજકોટ એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી કે અા મહિલા ગેંગ રાજકોટ કૂવાવડા રોડ પર અાવેલ એક મકાનમાં ભાડેથી રહે છે. પોલીસે જુફાન અાનંદ સલાટ નામના શખસના મકાન પર છાપો મારી સુમીતા, અનીતા, બાલિકા અને સુમન સહિતની પાંચ મહિલાને ઝડપી લીધી હતી. પોલીસે મકાનમાં જડતી કરતાં સોના-ચાંદીનાં ઘરેણા, મોબાઈલ ફોન, નાની-મોટી ઘડિયાળો, કેમેરા સહિતનો અાશરે રૂ. ૧૨ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સૂત્રો દરમિયાન અા ગેંગે અમદાવાદ, રાજકોટ, જામનગર સહિત રાજ્યના જુદાં જુદાં શહેરો અને ગામોમાં તફડંચીના સંખ્યાબંધ ગુના અાચર્યા હોવાની કબૂલાત કરી હતી.
http://sambhaavnews.com/

You might also like