એરફોર્સમાં મહિલાઓ જૂન મહિનાથી ફાઈટર જેટ ઉડાડશે

નવી દિલ્હી: ઇન્ડિયન એરફોર્સમાં આવતા વર્ષના જૂન મહિનાથી મહિલા પાઈલટ ફાઈટર પ્લેન ઉડાડશે. ડિફેન્સ સ્ટેટ મિનિસ્ટર રાવ ઇન્દ્રિજતસિંહે આ વાત કહી છે. તેમણે કહ્યું કે પાંચ વર્ષના પ્રયોગાત્મક ધોરણે મહિલા પાઈલટ્સ ફાઈટર પ્લેન ઉડાડશે.  થોડા દિવસો પહેલાં ઇન્ડિયન એરફોર્સ ચીફે જાહેરાત કરી હતી કે મહિલા પાઈલટ ફાઈટર પ્લેન ઉડાડવા માટે તૈયાર છે, પરંતુ હવે સરકારે તેના પર ઔપચારિક મંજૂરી આપી દીધી છે. ગઈ કાલે લોકસભામાં રાવ ઇન્દ્રિજતસિંહે આની જાહેરાત કરી.

ઇન્ડિયન એરફોર્સ માટે મહિલાઓ સહિતના નવા પાઈલટ્સને છ મહિના ૫૫ કલાકની ફલાઈટ ટ્રેનિંગ અપાય છે. આ ટ્રેનિંગ તાજેતરમાં ખરીદાયેલા સ્વિસ પિલાટુસ પીસી૭ ટર્બોપ્રોપ એરક્રાફટ પર થાય છે. હાલમાં ૯૪ મહિલા પાઈલટ્સ ઇન્ડિયન એરફોર્સમાં છે, જે હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફટ ઉડાડે છે, પરંતુ એવું પહેલી વાર થશે જયારે ફોર્સમાં મહિલા પાઈલટ ફાઈટિંગ વિંગમાં સામેલ થશે.

એરફોર્સ ચીફે કહ્યું કેઆપણી પાસે એવી મહિલા પાઈલટ્સ છે, જે ટ્રાન્સપોર્ટ એરક્રાફટ અને હેલિકોપ્ટર ઉડાડે છે. હવે અમે તેમને ફાઈટર સ્ટ્રીમમાં લેવા ઇચ્છીએ છીએ, જેથી દેશની યુવા મહિલાઓનાં સપનાં પૂરાં થઈ શકે. જયાં સુધી નેવીની વાત છે ત્યાં મહિલાઓ વોરશિપ પર જતી નથી. આર્મીમાં પણ તેઓને લડવા મોકલાતી નથી, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. ફિઝિકલ ટફનેસ વધારવામાં પણ ટેકનોલોજી પણ મદદ કરી રહી છે. અમારા એરફોર્સમાં કેટલીયે મહિલાઓ છે, જેણે ફાઈટર એરક્રાફટ ઉડાડવાની હિંમત બતાવી છે.  નેવીમાં મહિલાઓની ભાગીદારી ૨.૮ ટકા છે જયારે આર્મીમાં ૩ ટકા છે. આર્મીમાં પણ બોર્ડર પર મહિલાઓને મોકલવાની પરવાનગી નથી.

You might also like