જુહાપુરામાં મહિલા ડોક્ટરના બંગલા પર સ્થાનિક વેપારીનો ડોળો

અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતી મહિલા ડોક્ટરે તેમનો વૈભવી બંગલો સસ્તા ભાવે પચાવી પાડવા એક સ્થાનિક વેપારી પોલીસની મિલી ભગતથી પરેશાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ડોક્ટર મહિલા તેમના પરિવાર સાથે આ બંગલો સસ્તા ભાવે વેચીને જતા રહે તે માટે વેપારીએ ખોટા કેસમાં ફસાવ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. ડોકટર મહિલા અને તેમની પુત્રી વિરુદ્ધમાં થોડા દિવસ પહેલા વેપારીના ઈશારે એક મહિલાને ધાક ધમકી આપ્યાની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. મહિલા ડોક્ટરે તેની સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે આ કેસમાં કોઈ પણ કાર્યવાહી કરવા સ્ટે આપ્યો હતો.

જુહાપુરા વિસ્તારમાં આવેલ ગુલપોસ પાર્ક સોસાયટીમાં રહેતા ગાયનેકોલોજિસ્ટ ડો. જિનતબહેન ઈકબાલશરીફ કટારિયાએ તારીખ ૧૪-૦૮-૨૦૧૭ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કરેલ આક્ષેપ પ્રમાણે ગુલપોસ પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી અસલમ ઉસ્માનભાઈ પરમાર છેલ્લાં ૧૦ વર્ષથી મકાન પચાવી પાડવા માટે હેરાન પરેશાન કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૧માં આ વેપારી વિરુદ્ધમાં અટકાયતી પગલાં ભરવામાં આવ્યાં હતા. વેપારીએ ૨૦૧૫માં ગેરકાયદે રીતે ૧૫ ફૂટ ઊંચી દીવાલ બનાવતાં પોલીસે દરમિયાનગીરી કરી હતી. જેના પગલે અસલમ પરમારને દીવાલ તોડી પાડવાની ફરજ પડી હતી.

ડો.જિનતબહેને કરેલા આક્ષેપ મુજબ બંગલો નહીં વેચતા અસલમ પરમાર દ્વારા માનસિક હેરાનગતિ શરૂ કરાઈ હતી. વેપારી તેના કૂતરા અમારા બંગલોમાં છોડતા હતા. પથ્થરના ટૂકડા ફેંકવા ઉપરાંત ધાકધમકી પણ આપતા હતા. શમીમખાન નામની મહિલા દ્વારા જિનતબહેન અને તેમની પુત્રી વિરુદ્ધમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી હતી. શમીમખાનની ફરિયાદ બાદ ડો.જિનતબહેને હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં અને ફરિયાદ રદ કરવા માટે કવોશિંગ પિટિશન કરી હતી.

તારીખ ૧૩-૦૮-૧૭ના રોજ શમીમખાને જિનતબહેન અને તેમની પુત્રી િવરુદ્ધ ધાકધમકી આપી હતી. જેની ફરિયાદ તારીખ ૧૪-૦૮-૧૭ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી. તે જ દિવસે જિનતબહેનની પુત્રી સાથે શમીમખાને મોબાઈલ પર સારી રીતે વાત કરી હતી. આ વાતચીતનું મોબાઈલ રેકોર્ડિંગ કોર્ટમાં રજૂ કર્યું હતું. જેમાં કોર્ટે રેકોર્ડિંગના આધારે કેસમાં તપાસ પર સ્ટે આપ્યો છે.

જિનતબહેનની પુત્રી આશિયા ઈકબાલશરીફ કટારિયાએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે પોલીસે કોઈ પણ પ્રકારની પ્રાથમિક તપાસ કર્યા વગર અમારી વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો અને સીધા ધરપકડની વાત કરી હતી. આ બાબતે અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંધને પણ ઈ મેલ કરવામાં આવ્યો છે. આ સિવાય અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા માટે ગયા ત્યારે વગર કારણે સિનિયર સિટીઝન એવી મારી માતાને ચાર કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા બાદમાં ફરિયાદ નોધવામાં આવી હતી. તેજ દિવસે રાતે સાડા નવ વાગ્યાની આસાપાસ અમને તથા અમારી માતાને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા અને કાયદાની જોગવાઇનું ઉલ્લંધન કરીને અમારી નોંધાયેલી ફરિયાદને હેડ કોન્સ્ટેબલ મહેશભાઇએ ફાડી નાખી હતી અને નવી ફરિયાદ બનાવી હતી.

You might also like