રાજ્યની તમામ 26 બેઠક પર મહિલા કોંગ્રેસે દાવેદારી નોંધાવી

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: આગામી તા.ર૩ એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત મહિલા કોંગ્રેસમાં પણ થનગનાટ જોવા મળ્યો છે. રાજ્યમાં ૪૮ ટકા મહિલાઓના મત હોવા છતાં મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ આપવાના મામલે ભાજપ અને કોંગ્રેસ આ બંને મુખ્ય રાજકીય પક્ષ નિષ્ફળ નીવડ્યા છે, જોકે જ્યાં સુધી ગુજરાત મહિલા કોંગ્રેસનો પ્રશ્ન છે તો મહિલા કોંગ્રેસે રાજ્યની તમામ ર૬ બેઠક પર દાવેદારી નોંધાવી છે.

છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે ચાર મહિલાને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસમાંથી એકમાત્ર દાહોદ બેઠક પરથી ડો.પ્રભા તાવિયાડને ટિકિટ મળી હતી. આ વખતે દાહોદ બેઠક પર ફરી ચૂંટણી લડવાની ઇચ્છા ડો.પ્રભા તાવિયાડે દર્શાવી હોવાનું ગુજરાત મહિલા કોંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબહેન વાઘેલા કહે છે.

ગુજરાત મહિલા કોંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબહેન વાઘેલા વધુમાં કહે છે પોરબંદરથી ડો.ઉર્વશીબહેન મણવર, અમરેલીથી ગેનીબહેન ઠુમર, ભાવનગરથી ઇલાબહેન ગોહિલ તેમજ દાહોદથી હાલનાં ધારાસભ્ય ચંદ્રિકાબહેન બારૈયાએ પણ લોકસભાની ચૂંટણી લડવા દાવેવારી નોંધાવી છે. બનાસકાંઠા લોકસભા બેઠક માટે પૂર્વ  સાંસદ સ્વ. મૂકેશ ગઢવીનાં ધર્મપત્ની ક્રિષ્નાબહેન ગઢવી અને ખેડામાંથી સજ્જનબહેને પણ ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી છે.

You might also like