યુવકને ફસાવવા મહિલા બુટલેગરે ઘરમાં દારૂની પેટીઓ મૂકી દીધી

અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા એક યુવકના મકાનમાં દારૂ જથ્થો મૂકીને ખોટા કેસમાં ફસાવી દેવાનું કાવતરું ઘડનાર બુટલેગર મહિલાનો પર્દાફાશ સરદાનગર પોલીસ કર્યો છે. સરદારનગર વિસ્તારમાં આવેલ છારાનગરમાં રહેતા નરેશભાઇ ડુંગરભાઇ ગોહિલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં બુટલેગર મહિલા તેમજ તેના પુત્ર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. નરેશભાઇએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં છારાનગરમાં રહેતાં ઊર્મિલાબહેન અને તેમના પુત્ર ધીરમ વિરુદ્ધમાં રૂપિયાની લેતી દેતી મામલે જાનથી મારી નાખવાની ધમકી આપી અને જાતિવાચક શબ્દો બોલવા મામલે અરજી આપી હતી. પોલીસે આ અરજી પર કોઇ તપાસ નહીં કરતા નરેશભાઇએ બે દિવસ પહેલા પોલીસ કમિશનર ઓફિસ ખાતે કંટ્રોલ રૂમના ડીસીપી બલરામ મીણા સમક્ષ રજૂઆત કરી હતી.

ડીસીપી બલરામ મીણાએ નરેશભાઇની ફરિયાદ નોંધવા માટે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.બી.ઝાલાને આદેશ કર્યા હતા. નરેશભાઇ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગયા હોવાની જાણ બુટલેગર ઊર્મિલાબહેનને થતાં તેઓએ ત્રણ પેટી દારૂ અને બે પેટી બિયરનાં ટીન નરેશભાઇના ઘરમાં મુકાવી દીધાં હતાં. નરેશભાઇએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી.

ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ સરદારનગર પોલીસે નરેશભાઇના ઘરમાં તપાસ કરી હતી. જેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ઝાલાએ જણાવ્યું છે કે નરેશભાઇને ફસાવવા માટે તેમના ઘરમાં દારૂનો જથ્થો મૂકવાનો ઊર્મિલાબહેને અને તેના પુત્રએ કારસો રચ્યો હતો. હાલ બંને માતા પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ પ્રમાણે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ત્યારે નરેશભાઇને જાતિવાચક શબ્દો બોલવા બદલ એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ ચાલુ છે.
http://sambhaavnews.com/

You might also like