નોકરીના બાયોડેટામાં પુરુષ કરતા મહિલા વધુ ઈમાનદાર

નવી દિલ્હી: નોકરી મેળવવા માટે કંપનીઓમાં મોકલવામાં આવતા બાયોડેટામાં વિસંગતતાના મામલામાં મહિલાઓ કરતાં પુરુષ વધુ આગળ છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૫માં હાથ ધરાયેલા એક સર્વે રિપોર્ટમાં પુરુષો દ્વારા કંપનીઓમાં મોકલવામાં આવતા બાયોડેટામાં વિસંગતતાની ટકાવારી ૮૦ ટકા છે તો બીજી બાજુ મહિલાઓ દ્વારા કંપનીઓને મોકલવામાં આવતા બાયોડેટામાં આ વિસંગતતાની ટકાવારી ૨૦ ટકા છે એટલે કે નોકરી મેળવવાના મામલે મહિલા પુરુષ કરતાં ચાર ગણી ઇમાનદાર છે.

ફર્સ્ટ એડ્વાન્ટેજે હાથ ધરેલા એક રિપોર્ટમાં વધુમાં કહ્યું છે કે નોકરી મેળવવા ઇચ્છતા લોકોના વ્યક્તિગત પરિચયમાં જુદા જુદા પ્રકારની વિસંગતતા હોય છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન હાથ ધરાયેલા સર્વેમાં આવા લોકોના ૧૧ ટકાથી વધુ બાયોડેટામાં વિસંગતતાઓ જોવા મળી હતી એટલે કે ૧૦૦ બાયોડેટામાંથી ૧૧ લોકોના બાયોડેટામાં કોઇ ને કોઇ વિસંગતતા જોવા મળી છે.

રિપોર્ટ અનુસાર નોકરી માટેના બાયોડેટામાંથી ૩૮ ટકા સાથે સૌથી વધુ વિસંગતતાઓ બેન્કિંગ, ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જોવા મળી છે, જ્યારે ૨૩ ટકા સાથે આઇટી સેક્ટર બીજા નંબરે છે.  બાયોડેટામાં રોજગાર અંગેની માહિતીની ૫૯.૩ ટકા વિસંગતતાઓ જોવા મળી છે, જ્યારે સરનામા અંગેની માહિતીની ૧૨.૫ ટકા અને શિક્ષણ અંગેની માહિતીની ૫.૧ ટકા વિસંગતતા જોવા મળી છે.

You might also like