મુસ્લિમ મહિલાઓને પણ ત્રણ તલાકનો હક : શિયા પર્સનલ લો બોર્ડ

લખનઉ : ત્રણ તલાકનાં મુદ્દે હાલ આખા દેશમાંવિવાદ ચાલી રહ્યો છે. જો કે ઓલ ઇન્ડિયા શઇયા પર્સનલ લો બોર્ડે શુક્રવારે મોર્ડન નિકાહનામું રજુ કર્યું હતું. જેમાં મહિલાઓને પણ સમાન અધિકાર આપવામાં આવ્યો છે. જેનાં પગલે મહિલાઓ પણ ત્રણ વખત તલાક બોલીને પોતાનાં પતિને છુટાછેડા આપી શકશે. મૌલાના યાસૂબ અબ્બાસે મોર્ડન નિકાહનામા મુસ્લિમ લો બોર્ડનાં અધ્યક્ષ ડૉ. કલ્બે સાદિકને સોંપ્યું હતું.

ડૉ. સાદિકે તેને મંજુરી આપતા બોર્ડનાં અન્ય સભ્યો સાથે વાતચીત કરીને લાગુ કરાવવાનો ભરોસો અપાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દેશમાં મોટા ભાગની મુસ્લિમ વસ્તી સુન્નીઓની છે. સુન્ની મુસ્લિમ લો સંસ્થા ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં હલફનામું દાખલ કરીને કહી ચુકી છે કે સામાજિક સુધારાનાં નામે સુધારો શક્ય નથી. મહિલા એક્ટિવિસ્ટોએ ત્રણ તલાકને અસંવૈધાનિક ગણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ મહિલા સંગઠનોએ પર્સનલ લો બોર્ડ અંગે કહ્યું હતું કે તેનું વલણ ઇસ્લામ અને મહિલા વિરોધી છે. કેટલીક મહિલા અધિકારી કાર્યકર્તાઓએ ત્રણ તલાક અને બહુવિવાહ જેવા રિવાજો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતે જ સ્વયં સંજ્ઞાન લેતા ત્રણ તલાક અને બહુવિવાહને અસંવૈધાનિક ગણાવીને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પાસે જવાબ માંગ્યો હતો.

You might also like