મહિલાઓ ચેતજોઃ આધાશીશી હૃદયરોગનું કારણ બની શકે છે

ઊંઘ સરખી ન આવવાથી કે વધુ મુસાફરીને લીધે ક્યારેક માથુ દુખવા લાગે છે. માથુ દુખવું એ ગંભીર સમસ્યા નથી પણ મહિલાઓ માટે આધાશીશી (માઈગ્રેન) જીવલેણ બની શકે છે. આધાશીશી એટલે અડધું કે એક બાજુનું માથું દુખવું. માઈગ્રેન રિસર્ચ ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે આધાશીશી મહિલાઓને થતી ગંભીર બીમારીઓમાંની એક છે. બાલ્યાવસ્થામાં આધાશીશીનું પ્રમાણ બાળકોમાં વધુ અને બાળકીઓમાં ઓછું હોય છે પણ જેમ વય વધે તેમ તેમ સ્ત્રીઓની સંખ્યા વધવા લાગે અને પુરુષોની ઘટવા લાગે. અમેરિકામાં ૩.૮ કરોડ લોકો આધાશીશી પીડિત છે. જેમાંથી ૨.૮ કરોડ મહિલા છે.

ધ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર જે મહિલાઓને આધાશીશીની ફરિયાદ રહે છે તેઓને હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા તો છાતીમાં અસહ્ય દુખાવો થવાની સંભાવના વધુ રહે છે. માઈગ્રેનનો દુખાવો અસહ્ય હોય છે. અમેરિકાની હાર્વર્ડ ટી.એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ટોબિયાસ કુર્થે કહ્યું હતું કે, “સંશોધનના રિપોર્ટ પ્રમાણે આધાશીશી અને હૃદયસંબંધી બીમારીને સીધો સંબંધ છે.

માઈગ્રેનને સામાન્ય બીમારી ન ગણવી જોઈએ અને તેના પ્રત્યે સાવધાન થવાની જરૂર છે. માઈગ્રેન એ મોટી બીમારીનું સિગ્નલ છે.” મહિલાઓની બાબતમાં ખાસ ધ્યાન રાખવું પડે તેવું છે. આ સંશોધન માટે વર્ષ ૨૫થી ૪૨ વચ્ચેની મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. જેના પરથી માઈગ્રેન, હાર્ટ એટેક અને મૃત્યુદરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

You might also like