યુપીમાં મહિલાએ બાળકોને ભણાવવા માટે કિડની વેચવાની ઓફર મુકી

લખનઉ : યુપીમાં એક મહિલાએ તેના બાળકોના અભ્યાસ માટે કિડની વેચવાની ઓફર મૂકી છે. મહિલા ચારેય બાળકોની શાળાની ફી ભરવા માટે અસમર્થ છે અને કોઈ ઉપાય ન બચતા હવે તેણે કિડની વેચીને રૂપિયા ઉભા કરવાનું નક્કી કર્યુ છે. આગરાની ઈકો કોલોની, રોહાટામાં 330 સ્કવેર ફીટના ભાડાના રૂમમાં રહેતી આરતી શર્માએ ફેસબુક પોસ્ટના માધ્યમથી પોતાનું દર્દ રજુ કર્યુ છે. આરતી શર્માનું કહેવું છે કે તેમનો ગારમેન્ટનો નાનો ધંધો હતો પરંતુ નોટબંધીના કારણે તબાહ થઈ ગયો અને તેઓ ગરીબીના દળદળમાં ધસતા ગયા. આરતીએ લખ્યું છે કે તેમને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે.

જેમની શાળાની ફી ભરવા માટે તેઓ સમર્થ નથી. ફી ન ભરવાની સ્થિતિના કારણે તેમના બાળકો નવા એકેડેમિક સેશનમાં જઈ શકશે નહીં.આરતીએ ફેસબુક પોસ્ટના માધ્યમથી જણાવ્યું કે જિલ્લા પ્રશાસને પણ આ સંકટની ઘડીમાં મદદ કરવાની ના પાડી દીધી છે. આરતીએ લખ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે લખનઉ ગઈ તો તેની પાસે ભાડાના રૂપિયા નહતાં. એલપીજી સિલિન્ડરને બ્લેક માર્કેટમાં વેચીને ભાડાની વ્યવસ્થા કરી. જો કે 29 એપ્રિલના રોજ સીએમ સાથે મુલાકાત તો થઈ અને તેમણે મદદનું આશ્વાસન પણ આપ્યું પરંતુ હજુ કોઈ મદદ મળી નથી.

You might also like