યુવતીની હત્યા કરી કેનાલમાં ફેંકી દીધીઃ અર્ધનગ્ન મૃતદેહ મળતાં ભારે ચકચાર

અમદાવાદ: કડી-થોળ રોડ પર આવેલા મેડાઆદરજ ગામની રહીશ અને ગામ નજીક જ આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી યુવતીની રહસ્યમય સંજોગોમાં હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દેવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે કડી-થોળ રોડ પર આવેલા મેડાઆદરજ ગામમાં રહેતા દલિત પરિવારની દક્ષા નામની યુવતી ગામ નજીક આવેલી એક ફેકટરીમાં નોકરી કરતી હતી. બે દિવસ અગાઉ આ યુવતી નોકરી પર ગયા બાદ તેને સવારના ૧૦-૦૦ વાગ્યાના સુમારે પેટમાં દુખાવો થતાં તે રજા લઇ ફેકટરી પરથી નીકળી હતી. સાંજના સુમારે ફેકટરીના અન્ય કર્મચારીઓ નોકરી પૂરી કરી પોતપોતાના ઘરે પહોંચ્યા હતા, પરંતુ આ યુવતી ઘરે ન પહોંચતાં ઘરના સભ્યોએ તેમની પુત્રીની ભાળ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ પુત્રીની ભાળ ન મળતાં છેવટે બાવલુ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

દરમિયાનમાં બાજુના ડરણ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી એક યુવતીની લાશ મળી આવતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ સઘન તપાસ શરૂ કરી હતી અને ગુમ થયેલ યુવતીનાં પરિવારજનોને બોલાવતાં પરિવારજનોએ કપડાં પરથી દક્ષાને ઓળખી બતાવી હતી. દક્ષાનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં હોઇ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. કોઇ અજાણ્યા હત્યારાઓએ તેની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા સઘન તજવીજ હાથ ધરી છે.

You might also like