મોર્નિગ વોકમાં નીકળેલી મહિલાનું AMTSની ટક્કરે મોત

અમદાવાદ: હાટકેશ્વર સર્કલ પાસે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલા એએમટીએસ બસની અડફેટે આવી જતાં તેનું મોત નીપજ્યું હતું. મહિલાને અડફેટે લીધા બાદ બસ ચાલક બસ લઇને ફરાર થઇ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ટ્રાફિક પોલીસે આ ઘટના પગલે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરીને ફરાર બસચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરના હાટકેશ્વર સર્કલ પાસે ઓવર બ્રિજ બનતો હોવાથી આખો દિવસ ટ્રાફિકની સમસ્યા રહે છે તેવામાં પૂરઝડપે પસાર થઇ રહેલા વાહનોનાં કારણે નાના મોટા અકસ્માત આ સર્કલ ઉપર રોજબરોજ થતા હોય છે. આજે વહેલી સવારે પણ પૂરઝડપે પસાર થઇ રહેલી એએમટીએસ બસે મહિલાને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરાઇવાડીના આંબેડકરનગરમાં રહેતી અને બગસરાની બંગડીઓનો વેપાર કરતી પ૦ વર્ષીય રેખાબહેન રાઠોડ વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતાં. આ સમયે નાગરવેલ હનુમાન તરફથી પૂરઝડપે આવી રહેલીએએમટીએસ બસ હાટકેશ્વર સર્કલ પાસે બ્રેક માર્યા વગર ગોરના કૂવા તરફ જઇ રહી હતી તે સમયે રેખાબહેન બસની અડફેટે આવતાં તેમનું મોત થયું હતું.

રેખાબહેનને અડફેટે લઇને બસ ચાલક ગોરના કૂવા તરફ ફરાર થઇ ગયો હતો. ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશને એએમટીએસ બસ ચાલક વિરુદ્ધમાં હિટ એન્ડ રનનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે હાટકેશ્વર સર્કલ પર લગાવેલા સીસીટીવી કેમેરા માંથી ફૂટેજ લઇને આરોપીને પકડવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે.

You might also like