વટવા રિંગરોડ પર યુવતીની મશ્કરીમાં કોમી અથડામણ

અમદાવાદઃ વટવા રિંગરોડ પર ગઇ કાલે સાંજે જાહેરમાં બે યુવતીઓનો હાથ પકડી છેડતી કરવાના મામલે કોમી દંગલ સર્જાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. છેડતી કરનાર ટપોરીઓ તેમજ ટોળા વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ કમિશનરે આદેશ આપ્યા બાદ પોલીસે ૩૦થી ૩પ તોફાની તત્ત્વો વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ દંગલમાં તોફાની ટોળાએ બે બાઇકમાં તોડફોડ કરી હતી.

વટવા ગામમાં આવેલ માંડવીવાસમાં રહેતા લાલજી ઠાકોરની ભત્રીજી તથા અન્ય એક યુવતી વટવા રિંગરોડ પરથી પસાર થઇ રહી હતી તે સમયે સલમાન તથા અન્ય ત્રણ યુવકોએ બે યુવતીઓનો જાહેરમાં હાથ પકડીને તેમની સાથે આવવા માટે કહ્યું હતું. બંને યુવતીઓ સાથે થયેલી છેડતીની જાણ લાલજી ઠાકોરને થતાં તે ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને સલમાન સહિત ચાર યુવકો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

જોતજોતામાં મામલો એ હદે પહોંચ્યો હતો કે બે કોમનાં ટોળાં આમનેસામને આવી ગયાં હતાં અને મારામારી શરૂ કરી દીધી હતી તથા બે બાઇકનો કચ્ચરઘાણ બોલાવી દીધો હતો. આ કારણે રિંગરોડ પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો.પોલીસ કમિશનર એ. કે. સિંઘે આ ઘટનાના પગલે ટપોરીઓ તેમજ ટોળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને તાત્કાલિક ધરપકડના આદેશ કર્યા હતા. આ ઘટનામાં બે વ્યક્તિને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

http://sambhaavnews.com/

You might also like