ચોરીના આરોપમાં મહિલાને જૂતાં મારી ૬૦ હજારનો દંડ ફટકારાયો

મુઝફફરનગર: ઉત્તરપ્રદેશના મુઝફફરનગરમાં અેક મહિલા પર પશુની ચોરીનો આરોપ લગાવી પંચાયતે તેને પાંચ જૂતાં મારીને ૬૦ હજારનો દંડ ફટકારવાનો આદેશ કર્યો હતો. આ આદેશથી મહિલા રડતી રહી પરંતુ તેના પર કોઈને દયા આવી ન હતી.

પંચાયતે આપેલા આદેશ બાદ મહિલા જ્યારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી ત્યારે તેના પર કેસ દાખલ કરવાનું દબાણ થયું હતું. જોકે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. ચરથાવલ પોલીસ મથકની હદમાં રહેતી આ મહિલા પર પશુ ચોરીનો આરોપ થયા બાદ ગામના લોકોઅે પંચાયત બોલાવી હતી. પંચાયતે ગ્રામજનોની હાજરીમાં આ મહિલાને દોષિત ગણાવી તેને પાંચ જૂતાં મારી ૬૦ હજારનો દંડ કરવા આદેશ આપ્યો હતો. આદેશ બાદ લોકોની ભીડ વચ્ચે આ મહિલા રડતી રહી પરંતુ તેની મદદે કોઈ આવ્યું ન હતું.

આ અંગે અેસ.પી. પ્રદીપ ગુપ્તાઅે જણાવ્યું કે મહિલા પર પશુ ચોરીનો આરોપ છે. આ અગાઉ પણ આ મહિલાનું નામ પશુ ચોરીમાં આવી ચુક્યું છે. તેમજ તેનાં અનેક સંબંધીઓ પર પણ પશુ ચોરીના કેસ થયા છે. મીડિયા દ્વારા પંચાયત અને તેના વિવાદિત નિર્ણય અંગે માહિતી મળી છે. હજુ સુધી આ અંગે કોઈ ચોક્કસ સૂચના મળી નથી. જોકે હાલ મહિલા સામેના આરોપો અંગે પોલીસ તપાસ કરી રહી છે.

You might also like