પતિને બચાવવા પત્ની નમી અને હેર બેન્ડના કારણે જે થયું તે તો…

પંચકુલા, ગુરુવાર

પિંજોર ગાર્ડનની સાથે ખૂલેલા  એમ્યુઝમેન્ટ પાર્કમાં ગઇ કાલે ગો કાર્ટની ચેઇનમાં વાળ ફસાઇ જતાં ૩ર વર્ષીય પુનિત કૌર મૃત્યુ પામી. તે પતિ અમનદીપસિંહ સાથે કાર્ટિંગ માટે બેઠી હતી. આ પરિવાર મૂળ ભટિંડાના ગામ રામપુરા ફુલનો રહેવાસી છે. આ બંનેને એક પુત્ર પણ છે. તેમની સાથે પુનિતની માતા અને બહેન પણ આવ્યાં હતાં.

ગો કાર્ટિંગ દરમિયાન વાળ બાંધવા માટે હેર બેન્ડ આપવામાં આવે છે. જેનાથી વાળ બાંધવાના હોય છે, પરંતુ બાદમાં કોઇ ચેક કરતું નથી કે કોઇએ વાળ બાંધ્યા છે કે નહીં. દુર્ઘટના સમયે ગો કાર્ટ અમનદીપ ચલાવી રહ્યો હતો. તેમના જણાવ્યા મુજબ પુનિતની હેલ્મેટનું લોક ખૂલી ગયું અને હેલ્મેટ પડી ગઇ. તે હેલ્મેટ ઉઠાવવા માટે નીચે નમી ત્યારે વાળ પાછળની ચેઇનમાં ફસાઇ ગયા અને ટાયર સાથે ગુંચવાઇ ગયા.

તેના બધા વાળ ખોપરીની ચામડી સહિત ઊખડી ગયા અને તે સીટ પર જ બેભાન થઇ ગઇ. જ્યારે પુનિતને સેકટર-૬ની જનરલ હોસ્પિટલે લાવવામાં આવી ત્યારે તેના માથા પર વાળ ન હતા અને લોહી પણ ઓછું નીકળતું હતું. હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ તે મૃત્યુ પામી.

ડોકટરના જણાવ્યા મુજબ ઝટકાથી તેની ગરદનનું હાડકું તૂટતાં અથવા એક સાથે બધા વાળ ચામડી સહિત નીકળવાના કારણે બ્રેઇન હેમરેજ થયું હોય તેવું બની શકે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. પુનિત તેના પતિ અમનદીપ અને સંબંધીઓ સાથે અહીં આવી હતી. અહીં પુનિતની માતા અને બહેને પિંજોર ગાર્ડન ફરવાનું પ્લાન બનાવ્યો હતો.

You might also like