મહિલા વેપારીને બેભાન કરી રૂ. એક લાખની લૂંટ કરી ચાર શખ્સ ફરાર

અમદાવાદ: દરિયાપુરના બારડોલપુરામાં દુકાન ધરાવતી મહિલા સાંજના સમયે ઘરે પરત ફરી રહી હતી ત્યારે રિક્ષામાં બેઠેલા ત્રણ અજાણ્યા શખ્સોએ મહિલાને બેભાન કરી રોકડ રૂપિયા એક લાખની લૂંટ કરી હતી. મહિલાએ અર્ધબેભાન હાલતમાં પ્રતિકાર કરતાં રોડ પર ઉતારી દઇ રિક્ષાચાલક સહિત લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. મહિલાની ફરિયાદના આધારે માધવપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલા મનમોહન એપાર્ટમેન્ટમાં લીલાબહેન સોની તેમના પરિવાર સાથે રહે છે. લીલાબહેન દરિયાપુરના બારડોલપુરામાં ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરે છે. ગઈ કાલે સાંજે લીલાબહેન દુકાન બંધ કરી વકરાના રોકડા રૂપિયા એક લાખ લઇને ઘરે જવા નીકળ્યાં હતાં. દરિયાપુર દરવાજા પાસેથી તેઓ રિક્ષામાં બેઠાં હતાં. રિક્ષામાં ત્રણ અજાણ્યા શખ્સો પહેલાંથી જ બેઠા હતા.

રિક્ષા સુભાષબ્રિજ તરફ જતી હતી ત્યારે એચ. બી. કાપડિયા સ્કૂલ પાસે રિક્ષામાં બેઠેલા એક શખ્સે તેની પાસે રહેલો રૂમાલ કાઢીને લીલાબહેનના મોઢા પર મૂકી દીધો હતો, જેથી તેઓ અર્ધબેભાન જેવાં થઇ ગયાં હતાં. અન્ય શખ્સોએ હાથમાં રહેલા પર્સમાં હાથ નાખવાનો પ્રયત્ન કરતાં લીલાબહેને પ્રતિકાર કર્યો હતો. અજાણ્યા ઈસમોએ રોકડા રૂપિયા એક લાખની લૂંટ કરી લીધી હતી. શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલયની ગલીમાં રિક્ષા લઇ લીલાબહેનને ત્યાં ઉતારી દઇ ફરાર થઇ ગયા હતા.
થોડું ભાન આવતાં તેઓ રિક્ષામાં બેસી ઘરે ગયાં હતાં. તેમના પુત્રોને આ અંગે જાણ કરતાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like