ચારિત્ર્યના અાક્ષેપોથી લાગી અાવતા પરિણીતા પાડોશીના ઘરે જઈ સળગી

અમદાવાદ: સામાન્ય રીતે પ્રેમસંબંધમાં લોકો પોતાની ‌િજંદગીનો અંત આણી દેતા હોય છે, પરંતુ હાથીજણના વિવેકાનંદનગરમાં એક પ‌િરણીતા આધેડ સાથે પ્રેમસંબંધ હોવાના આક્ષેપોથી કંટાળી આધેડના ઘરે જઇ કેરોસીન છાંટી સળગી ગઇ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પ‌િરણીતાને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ગત મોડી રાતે તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ અંગે વિવેકાનંદનગર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ હાથીજણના વિવેકાનંદનગરમાં આવેલા સેક્ટર-૩માં મીનાબહેન બાબુલાલ ડામોર (ઉ.વ.ર૮) તેમના પતિ અને બે બાળકો સાથે રહેતાં હતાં. તેમના પતિ બાબુલાલ વટવા જીઆઇડીસીમાં ફે‌િબ્રકેશનનું કામકાજ કરે છે. મીનાબહેન ઘરકામ કરતાં હતાં. તેમની પાડોશમાં ભીખીબહેન સોમભાઇ ડામોર અને તેમનો પરિવાર રહે છે. છેલ્લા કેટલાક સમયથી મીનાબહેન અને સોમભાઇ વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાતે ભીખીબહેન અને મીનાબહેન વચ્ચે તકરાર ચાલતી હતી. તકરારને લઇ અવારનવાર બંને પરિવાર વચ્ચે બોલાચાલી થતી હતી. મીનાબહેન તેમના સોમભાઇ સાથે કોઇ સંબંધ ન હોવાનું ભીખીબહેન અને તેમના પરિવારને જણાવતાં હતાં છતાં ભીખીબહેન અને તેમની પુત્રી મીનાબહેન દ્વારા વારંવાર મહેણાં-ટોણાં મારવામાં આવતા હતા.

ગઇ કાલે સવારે બાબુલાલ નોકરીએ ગયા હતા ત્યારે મીનાબહેન પોતાના ઘરે કેરોસીન છાંટી ભીખીબહેનના ઘરે ગયાં હતાં અને ત્યાં જ પોતાના પર દીવાસળી ચાંપી દીધી હતી. મીનાબહેન આગમાં સળગી ઊઠતાં ભીખીબહેનની અને નાની બે પુત્રીઓ પણ આગની લપેટમાં આવી ગઇ હતી. ભીખીબહેનના હાથે અને બે પુત્રીઓના હાથે-પગે અને મોઢે ઇજા થઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા મીનાબહેનને બચાવવા લોકો દોડી આવ્યા હતા અને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતાં.

ગઇ કાલે મોડી રાતે મીનાબહેનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.એસ. અસારીએ જણાવ્યું હતું કે મૃતક મહિલા ર૮ વર્ષની હતી અને પ૦ થી પપ વર્ષના આધેડ સાથે પ્રેમસંબંધ હોવાના આક્ષેપોથી ગઇ કાલે મહિલાએ કેરોસીન છાંટી આત્મહત્યા કરી લીધી હતી. ભીખીબહેન અને તેમની પુત્રી મીનાબહેન દ્વારા કરાતા વારંવાર આવા આક્ષેપોને લઇ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ અંગે મૃતક મહિલાના પતિની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

બીજી તરફ ભીખીબહેન અને તેમના પરિવારના જણાવ્યા મુજબ મૃતક મીનાબહેન અને તેમના પતિ વચ્ચે પ્રેમસંબંધ હતો. તેમના પતિએ વાતચીત કરવાનું બંધ કરી દેતાં આ પગલું ભર્યું હતું. ભીખીબહેન અને તેમના પરિવારને પણ પોતાની સાથે સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો, જોકે હાલ વિવેકાનંદનગર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like